Get The App

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ 1 - image


Gujarat Riots 2002 : વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં મૃત્યુ પામેલા લોકોના બાળકો, પરિવારજનો કે સંબંધીઓને સરકારી ભરતીમાં વિવિધ હોદ્દા પર અપાતી વયમર્યાદાની છૂટ નાબૂદ કરાઈ છે. હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે. 28 માર્ચના રોજ જાહેર કરાયેલા આ પરિપત્રમાં ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી પી. વેણુકુટ્ટન નાયરના હસ્તાક્ષર છે.  

આ પરિપત્રમાં વર્ષ 2007માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પહેલા આદેશનો હવાલો આપતા કહેવાયું છે કે, ‘ગુજરાતના રમખાણ પીડિતોને ઉંમરમાં અપાતી વય મર્યાદાની છૂટ તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે છે. આ છૂટનો લાભ અર્ધસૈનિક દળો, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, રાજ્ય પોલીસ દળ, જાહેર એકમો, અન્ય રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિભાગોમાં થતી ભરતીમાં અપાતો હતો.' 

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ 2 - image

જો કે, આ આદેશમાં સરકારના ઉપરોક્ત નિર્ણયનું કારણ જણાવાયું નથી. એક સમયે ગુજરાત રમખાણના પીડિતોને સરકારી ભરતીમાં વય મર્યાદામાં છૂટછાટ સહિતના લાભ અપાતા હતા. ગુજરાત રમખાણોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના લોકો હતા.  

આ રમખાણોના દસ વર્ષ બાદ હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું હતું કે 'ગુજરાતના રમખાણોના કેસની તપાસ અને કેસ ચલાવવાના પ્રયાસને રોકવામાં આવ્યા હતા. આ કેસમાં સામેલ સામાજિક કાર્યકરો અને વકીલોની પણ હેરાનગતિ કરાઈ હતી. તેમને ધાકધમકી આપીને ખસી જવાનું પણ કહેવાયું હતું. તે દસ વર્ષના ગાળામાં 'મુસ્લિમ વિરોધી હિંસામાં ગુજરાત રાજ્યના અધિકારીઓની મિલીભગતના પુરાવા પણ સામે આવ્યા હતા.’

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. હું મુખ્યમંત્રી બન્યો તે પહેલાંથી જ.’ આ ઈન્ટરવ્યૂમાં તેમણે હિંસા પહેલા આતંકવાદી હુમલાની 'પૃષ્ઠભૂમિ' તરફ પણ ઇશારો કર્યો હતો. 

નોંધનીય છે કે, વર્ષ 2022ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ કરી રહેલી એક વિશેષ તપાસ ટીમનો ક્લોઝર રિપોર્ટરને યથાવત્ રાખ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આ તપાસમાં વડાપ્રધાન મોદી સહિત કોઈ નેતા વિરૂદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી. 

Tags :