Gujarat

કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો

By GS TEAM
17 May 20262 mins read
કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો

વડોદરા,ભાડે લીધેલી કાર પરત આપવી ના પડે તે માટે કાર માલિકને ડરાવવા આરોપીએ આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ આયુર્વેદિક  ત્રણ રસ્તા પાસે જયનારાયણ કોમ્પલેક્સમાં રહેતા સંદીપ અનિલભાઇ દાભાડે  ફિટનેસ સેન્ટર ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક મહિના પહેલા મેં બેંકમાંથી લોન  લઇને કાર ખરીદી છે. ગત છઠ્ઠી મે ના રોજ મને એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, હું  સુરતથી ગોવિંદ સેન બોલું છું. તમારી કાર ચાર દિવસ માટે ભાડે જોઇએ છે. એક દિવસનું ભાડુ ૩,૫૦૦ રૃપિયા આપીશ. ૭ મી તારીખે રાત્રે બે વાગ્યે ગોવિંદ સેન તથા તેના બે મિત્રો રાહુલ અને દિપ કાર લેવા આવ્યા હતા. ગોવિંદે તેનું આધાર કાર્ડ બતાવતા તેમાં તેનું નામ સેન ગોવિંદ પારસલમ (રહે. રવિપાર્ક સોસાયટી, કાપોદ્રા, વરાછા, સુરત) લખ્યું હતું. કાર લઇ ગયા પછી તેનો મિત્ર રાહુલ સાલવી (રહે. હનુમાનપોળ, બાજવાડ) મને ઘરે છોડવા  આવ્યો હતો. ત્યારબાદ મારી કાર નહીં મળતા મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.રાહુલે પોલીસ સ્ટેશનમાં આવી બે દિવસનો સમય માંગ્યો હતો. તે દરમિયાન મારા મોબાઇલ પર રાહુલ આપઘાત કરતો હોય તેવો ખોટો વીડિયો બનાવી આરોપીઓએ વાયરલ કર્યો હતો. આરોપીઓએ મને ભાડા પેટે ૨૧ હજાર ચૂકવી મારી ૮.૦૫ લાખની કાર પડાવી લીધી હતી.