કચ્છ યુનિવર્સિટીમાં 'નકલી પોલીસ ચોકી' : ઉઠા ભણાવવાનો પાઠ !!

'નેક' ની ટીમ વખતે મંજુરી વગર ઉભી કરાયેલી પોલીસ ચોકી હજુ અડીખમ! : ગંભીર બેદરકારી બદલ યુનિ.ના સતાવાહકો સામે પગલાંની માંગ
ભુજ, : નકલી હોસ્પિટલ, નકલી કોર્ટ, નકલી ડોક્ટર, નકલી જજ તેમજ નકલી પોલીસ પકડાયાના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા છે ત્યારે કચ્છમાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી મધ્યે 'નકલી યુનિવર્સિટી પોલીસ ચોકી' ઉભી કરી દેવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ યુનિવર્સિટી પોલીસ ચોકી બનાવાઈ છે. આ યુનિવર્સિટી પોલીસ ચોકીની મંજુરી ગાંધીનગર ગૃહ વિભાગ કે સ્થાનિક પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા આપવામાં આવી નથી. એટલું જ નહીં, પોલીસ ચોકીમાં કોઈ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી નથી તેમ છતાં યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પાસે યુનિવર્સિટી પોલીસ ચોકી જોવા મળે છે.
કચ્છ યુનિવર્સિટીને 'નેક' ની માન્યતા માટે બેંગ્લોરથી થોડા મહિના પૂર્વે 'નેક' ની ટીમ આવી હતી. જે 'નેક' ની ટીમને ગેરમાર્ગે દોરી કોઈ પણ માન્યતા કે મંજુરી વગર જ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારે રાતોરાતો પોલીસ ચોકી ઉભી કરી નાખવામાં આવી હતી એવું ચર્ચાઈ રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે,પોલીસ ચોકી હયાત છે.
કચ્છ યુનિવર્સિટીના ગેટ પાસે ઉભી કરવામાં આવેલી નકલી યુનિવર્સિટી પોલીસ ચોકીમાં ટેબલ ખુરશી જોવા મળેછે જે જોતા પોલીસના નહીં પણ યુનિવર્સિટીના હોય તેવું દેખાય છે. કચ્છ યુનિ.ના સતાધીશોએ નેક ની ટીમના આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ ધામ કચ્છ યુનિ. દ્વારા જ જો ઉઠા ભણાવાતા હોય તો આ યુનિવર્સિટી પાસેથી વિદ્યાર્થીઓ શું બોધપાઠ લેશે?
આ અંગે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર ડો. રમેશ ગરવાએ જણાવ્યું હતું કે, કોઈ પણ મંજુરી કે માન્યતા વગર જ મનસ્વી રીતે પોલીસ જેવી મહત્વની અતિ સંવેદનશીલ ગણાતી નકલી પોલીસ ચોકી ઉભી કરી નાખી છે ત્યારે યુનિવર્સિટીના જવાબદાર કુલપતિ તેમજ રજીસ્ટ્રાર સામે પગલાં ભરાવવા જોઈએ. એટલું જ નહીં, 'નેક' ની ટીમને ખોટી માહિતી આપવા સબબ ગુનો દાખલ કરવાની માંગણી કરી છે.
આ બાબતે કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પોલીસ ચોકીનો પોઈન્ટ હતો. નેક ની ટીમ વખતે તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પોલીસ ચોકી ઉભી કરાઈ હતી.
કચ્છ યુનિ.માં પોલીસ ચોકી નથી, માત્ર બંદોબસ્ત ફાળવાય છે : RTIમાં પોલીસનો ખુલાસો
કચ્છ યુનિવર્સિટી સંકુલ ખાતેની પોલીસ ચોકીની ખરાઈ કરવા માટે ડો. રમેશ ગરવાએ પશ્વિમ કચ્છ પોલીસ અધિક્ષકને સંબોધીને વિગતવાર માહિતી માંગી છે જેમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ કચ્છ યુનિ. પોલીસ ચોકી આવેલ નથી. માત્ર તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ફાળવવામાં આવે છે તેવો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે.