રાજકોટમાં નકલી પોલીસે મોરબીના યુવાન પાસેથી રૂા. 12 હજાર પડાવ્યા

આરએમસી ચોકમાં લારીએ જમતો હતો ત્યાંથી ટુ-વ્હીલરમાં ઉઠાવી ગયા
અગાઉ પોલીસના સ્વાંગમાં પૈસા પડાવવાના ગુનામાં પકડાયેલા આરોપીની ધરપકડ, સાગરિતની શોધખોળ
રાજકોટ: શહેરના પોપટપરા શેરી નં. 11માં રહેતા મિહીર ભાનુભાઈ કુગશિયા (ઉ.વ.૨૦)એ સાગરિત સંદીપ સાથે મળી પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી રૂા. ૧૨ હજાર પડાવી લીધા હતાં. જે અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ અગાઉ પણ તેણે પોલીસના સ્વાંગમાં રાજકોટ અને ગોંડલમાં પૈસા પડાવ્યા હતાં. તેની પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી હતી. આમ છતાં પોતાના કારસ્તાનો ચાલુ રાખ્યા હતાં.
મોરબીની ભક્તિનગર સોસાયટી-૩માં રહેતા દક્ષિતભાઈ ઘીયા (ઉ.વ.૩૫) મોરબીની એક કંપનીમાં નોકરે કરે છે. ગઇ તા. ૮નાં રોજ લીમડા ચોકમાં આવેલી હોટલમાં કંપનીની મીટીંગમાં ભાગ લેવા આવ્યા હતાં. મીટીંગ પૂરી કરી સાંજે મોરબી જવા માટે બસ સ્ટેન્ડ પહોંચ્યા હતાં. જ્યાંથી આરએમસી ચોકમાં આવેલી લારીએ જમવા ગયા હતા. તે વખતે રાતના સવા આઠેક વાગ્યા હતા. જમી રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક્સેસ ઉપર બે શખ્સોએ આવીને કહ્યું કે અમે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ, તું અમારી સાથે બેસી જા.
જેથી તેણે કહ્યું કે ક્યા કારણસર. જેની સામે એક શખ્સે કહ્યું કે પોલીસ સ્ટેશન ચાલ પછી તને કહીએ છીએ. બાદમાં તેને બળજબરીથી ટુ-વ્હીલર પર બેસાડી તેના શર્ટના ઉપરના ખિસ્સામાંથી બંને મોબાઇલ ફોન અને પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી લઇ પેલેસ રોડ પર આશાપુરા મંદિર નજીકની શેરીમાં લઇ ગયા હતા. જ્યાં તેના મોબાઇલનો પાસવર્ડ માંગ્યો હતો, ના પાડતાં તમાચો ઝીંકી દીધો હતો. જેથી ગભરાઇને પાસવર્ડ આપી દીધો હતો.
તે સાથે જ બંને શખ્સોએ તેની બેન્કની એપ્લીકેશનમાં બેલેન્સ ચેક કરી રૂા. ૫૦ હજારની માગણી કરી હતી. આટલી બધી રકમ નહીં હોવાનું કહેતા ૧૦ હજાર મંગાવવાનું કહ્યું હતું. જેથી મિત્ર તેજસ જોશી પાસેથી ઓનલાઇન રૂા. ૧૦ હજાર મંગાવ્યા હતાં. ત્યાર પછી બંને શખ્સો તેને એક એટીએમમાં લઇ ગયા હતા. જ્યાં તેની પાસેથી રૂા. ૧૨ હજાર ઉપડાવ્યા હતાં. આ પછી તેને ટુ-વ્હીલર પર બેસાડી રસ્તામાં તેનું પાકીટ અને બંને મોબાઇલ ફોન આપી બસ સ્ટેન્ડ પાછળની અંધારી શેરીમાં ઉતારી હવે ક્યારેય અહીં દેખાતો નહીં, આ બાબતે કોઇને વાત કરીશ તો મારી-મારીને તોડી નાખશું તેમ કહી જતા રહ્યા હતાં.
જે અંગે ગઇકાલે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસના અંતે પોલીસે મિહીરની ધરપકડ કરી હતી. તેના સાગરિત સંદીપની શોધખોળ શરૂ કરી છે.









