Get The App

વાપીમાં અમદાવાદના નકલી પોલીસ કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે પકડી પાડયો

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં અમદાવાદના નકલી પોલીસ કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે પકડી પાડયો 1 - image


Vapi : વાપીના ગીતાગનરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી પોલીસ કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે પકડી પાડયો હતો. આરોપી પાસેથી દારૂની 17 નંગ બોટલ મળી આવી હતી. પોલીસને ગંધ નહી જાય અને દારૂની હેરાફેરી કરવા પોલીસ સબ ઈન્સ્પેકટરનો યુનિફોર્મ બનાવી તથા પોલીસ કોન્સ્ટેબલનું નકલી ઓળખકાર્ડ બનાવી ઉપયોગ કરતો હતો. દારૂનો જથ્થો દમણથી અમદાવાદ ઘરે છૂટક વેચાણ કરવા લઈ જતો હતો. આરોપી અમદાવાદ પોલીસ હેડ કવાર્ટસમાં એમટી વિભાગમાં કોન્ટ્રાકટમાં આઉટ્સોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના કનકસિંહ દયાતર અને ટીમે ગઈકાલે રવિવારે વાપીના ગીતાનગર વિસ્તારમાં રોડ નજીક પોલીસ સબ ઈન્સ્પેકટરનો યુનિફોર્મ પહેરી ઉભેલા શખ્સ પર શંકા જતાં તેની પાસે પહોંચી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને વધુ શંકા ગઈ હતી. આ શખ્સે પીએસઆઈનો યુનિફોર્મ પહેરેલો અને તેની પાસેથી પોલીસ કોન્સ્ટેબલનો ઓળખ કાર્ડ મળી આવ્યો હતો. જો કે પોલીસે તેની પાસે રહેલી લેધર બેગ અને પ્લાસ્ટિકના કોથળમાં તપાસ કરતા દારૂની 17 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ શખ્સ અંગે ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટરના એમટી વિભાગમાં તપાસ કર્યાબાદ નકલી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું.

 પોલીસે આરોપી કૃષ્ણરાજ મુળજીભાઈ ગોહિલ (ઉ.વ.46, રહે. શ્યામ દર્શન એવન્યુ, અમદાવાદ)ની ધરપકડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે અમદાવાદ પોલીસ હેડ કવાર્ટસમાં એમટી વિભાગમાં કોન્ટ્રાકટપર આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સિવિલ ડિફેન્સમાં માનદ સેવા આપતો ત્યારથી ખાખી ડ્રેસ હતો. તેણે આ ડ્રેસ પર સબ ઈન્સ્પેકટરના યુનિફોર્મ પર લાગતા સ્ટાર તથા ટોપી તેમજ પટ્ટાની બજારમાંથી ખરીદી કરી સબ ઈન્સ્પેકટરનો ડ્રેસ તૈયાર કરી યુનિફોર્મ પહેરી દમણ આવ્યો હતો. પોલીસ કર્મીનો આઈકાર્ડ રસ્તામાંથી મળ્યા બાદ સાયબર કાફેમાં જઈ તેના નામનું નકલી ઓળખકાર્ડ બનાવી ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરી હતી. દારૂનો જથ્થો અમદાવાદ ઘરે છૂટક વેચાણ માટે લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.

Tags :