Gujarat

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી

By GS TEAM
11 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સતત બીજા દિવસે નકલી ઘી બનાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના શેડ નંબર C/73માં ચાલતી 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિંતનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે Rs. 2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી

Fake Ghee Racket Busted in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સતત બીજા દિવસે નકલી ઘી બનાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના શેડ નંબર C/73માં ચાલતી 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિંતનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે Rs. 2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.

એક્સપાયર્ડ લાયસન્સ અને ગેરકાયદે ઉત્પાદન

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ફેક્ટરી પાસેનું ફૂડ સેફ્ટી લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને તેમાં જે સરનામું હતું તે પણ અલગ જ સ્થળનું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લાયસન્સમાં શુદ્ધ ઘીના ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ નહોતો, છતાં ત્યાં મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું. આ સાથે જ ત્યાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું પણ સામે આવ્યું છે.

જાણીતી બ્રાન્ડના નામે પેકિંગ

આ ફેક્ટરીમાં 'કાઉઝ પ્યોર ઘી' નામથી 'માખન મીસરી' અને 'સ્વામિનારાયણ' બ્રાન્ડના 500 મિલી અને 1 લિટરના જાર તેમજ લૂઝ જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ તમામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી, તેના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને હાલ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.

પ્રથમ દિવસે CTM, વટવા અને દૂધેશ્વરમાંથી Rs. 31.81 લાખનું ઘી પકડાયું હતું

આ અગાઉ, પ્રથમ દિવસે ફૂડ વિભાગે અમદાવાદના CTM, વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. જ્યાંથી Rs. 31.81 લાખની કિંમતનો ગાયનો 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બે દિવસમાં લાખો રૂપિયાનું નકલી ઘી પકડાતા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે થતા મોટા ચેડાં સામે આવ્યા છે.

સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

કાગળ પર 'ઝીરો ટોલરન્સ', વાસ્તવિકતા અલગ: આરોગ્ય વિભાગ ભલે 'ઝીરો ટોલરન્સ'ની મોટી-મોટી વાતો કરતું હોય, પણ વાસ્તવિકતા એ છે કે કાયદાના રક્ષકોની ઢીલી નીતિના કારણે જ આવા નફાખોરો બેફામ બન્યા છે. ભેળસેળિયાઓને સરકાર કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી.

આ પણ વાંચો: ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા

સ્થાનિક તંત્ર ઊંઘમાં, ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ દોડાવવી પડે છે: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં છે. સ્થાનિક અધિકારીઓની નજર સામે જ ફૂડ લાયસન્સ વિના જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘી બિન્દાસ વેચાય છે. જ્યારે સ્થાનિક તંત્ર કશું જ નથી કરતું, ત્યારે છેક ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડને દરોડા પાડવા આવવું પડે છે.

તંત્રની મિલીભગતની શંકા: બજારમાં સસ્તા ભાવે જે ઘી વેચાય છે, તેમાં ઘી ઓછું અને કેમિકલ-ચરબી જેવું ઝેર વધારે હોય છે એ સામાન્ય માણસ પણ સમજી શકે છે. છતાં સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરે છે, જે સાબિત કરે છે કે કાં તો સ્થાનિક તંત્ર સદંતર નકામું છે અથવા તો ભેળસેળિયાઓની કમાણીમાં તેમનો પણ સરખો હિસ્સો છે.

રોજબરોજ પકડાતા આવા જથ્થા બાદ પણ તંત્ર કોઈ કડક દાખલો બેસાડવાના બદલે માત્ર કાગળ પર કામગીરી બતાવીને સંતોષ માની રહ્યું છે, જેના કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી છે.