Gujarat

અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ: મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર

By GS TEAM
5 Jan 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી નકલી ખાતર પધરાવતા કેટલાક લોકો સામે અમરેલી એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. અમરેલીના મોટા આંકડિયા ગામે આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાં દરોડા પાડી પોલીસે ડુપ્લીકેટ ખાતર બનાવવાનું મસમોટું કારખાનું ઝડપી પાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ: મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર

Amreli Fake Fertilizer Factory : અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી નકલી ખાતર પધરાવતા કેટલાક લોકો સામે અમરેલી એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. અમરેલીના મોટા આંકડિયા ગામે આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાં દરોડા પાડી પોલીસે ડુપ્લીકેટ ખાતર બનાવવાનું મસમોટું કારખાનું ઝડપી પાડ્યું છે.

બાબરાના ખંભાળાથી છેડા જોડાયા

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સૌપ્રથમ બાબરાના ખંભાળા ગામમાંથી ઇફકો (IFFCO) કંપનીની થેલીઓમાં ભરેલું નકલી ખાતર મળી આવ્યું હતું. આ કડીના આધારે તપાસ લંબાવતા અમરેલી એસ.ઓ.જી.ની ટીમ મોટા આંકડિયા-પીપળલગ માર્ગ પર આવેલી નીરી એગ્રી પ્રોડક્ટ કંપની સુધી પહોંચી હતી. જ્યાં મોટા પાયે નકલી ખાતર બનાવવાનું નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.

શું શું ઝડપાયું?

પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીઓના નામે પેક કરવામાં આવતું હલકી ગુણવત્તાનું ખાતર અને સાધન-સામગ્રી મળી આવી છે:

હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ: 50 થેલી

POLYHALITE-IPL ખાતર: 25 ભરેલી બેગ

ખાલી બેગનો જથ્થો: ગુજરાત સરદાર ફર્ટિલાઈજરની અંદાજે 5600 ખાલી બેગ

મશીનરી: ખાતર બનાવવાની અને પેકિંગ કરવાની 3 મશીનરી

રૂ. 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત

એસ.ઓ.જી. પોલીસે સ્થળ પરથી નકલી ખાતર, ખાલી બારદાન અને મશીનરી સહિત કુલ રૂપિયા 16 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી ડુપ્લીકેટ ખાતરના કાળા કારોબાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મુખ્ય આરોપી ફરાર

આ નકલી ખાતરની ફેક્ટરી ચલાવનાર મુખ્ય સૂત્રધાર ભરત ચીમનભાઈ ધાનાણી હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ નકલી ખાતર કયા કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવ્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડૂતો માટે ચેતવણી: 

ખાતર ખરીદતી વખતે અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરવી અને થેલી પરના માર્કિંગની ખાસ ચકાસણી કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.