Gujarat

સાયલાથી નકલી Dy. SP ઝડપાયો, ઠગાઇમાં AIનો ઉપયોગ કરતો

By GS TEAM
24 May 20262 mins read
સાયલાથી નકલી Dy. SP ઝડપાયો, ઠગાઇમાં AIનો ઉપયોગ કરતો

પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં Dy. S.P. નો સ્વાંગ રચ્યો હતો એઆઇના ઉપયોગથી ડીવાયએસપીના યુનિફોર્મમાં ફોટો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યા હતા

રાજકોટ, : સુરેન્દ્રનગરના સાયલાથી રાજકોટ રેન્જ પોલીસની ટીમે નકલી ડીવાયએસપી સોહિલખાન બીસ્મિલાખાન પઠાણ (ઉ.વ. 31)ને ઝડપી લીધો છે. તેણે ડીવાયએસપી તરીકેની ઓળખ આપી એક મહિલા સાથે રૂ. 22,000ની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. બીજા કોઇની સાથે ઠગાઇ કરી છે કે કેમ તે અંગે હવે સાયલા પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી સોહિલખાને એઆઇની મદદથી ડીવાયએસપીની વર્ધીમાં પોતાનો ફોટો જનરેટ કર્યો હતો. જેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર મૂકી રીલ્સ બનાવતો હતો. જે અંગે સુરેન્દ્રનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલ અને પીએસઆઇ બી.સી.મિયાત્રાએ તેને ઝડપી લીધો હતો. 

જોકે ગમે તે કારણસર તેને ગંધ આવી જતાં સોશિયલ મીડિયા પરથી ડીવાયએસપીની વર્ધી સાથેના ફોટા અને રીલ્સ ડીલીટ કરી નાખી હતી. પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે, આરોપી સોહિલખાન અગાઉ ટ્રેક્ટરના શો-રૂમમા નોકરી કરતો હતો. તેણે પોલીસની પણ પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થતાં નકલી ડીવાયએસપી બની ગયો હતો. 

તેણે સાયબર ફ્રોડમાં એક મહિલાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેનો સંપર્ક કરી તેની પાસેથી રૂ. 22,000 લઇ લીધા હતા. બદલામાં તે મહિલાને તેનું એકાઉન્ટ અનફ્રીઝ થયાનું એઆઇ જનરેટ સર્ટીફીકેટ મોકલી દીધું હતું. બીજા કોઇની સાથે તેણે ડીવાયએસપીના નામે છેતરપિંડી કરી છે કે કેમ તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.