સરકારમાં જમીન જતી રોકવા માટે બે મરણ દાખલા બનાવ્યા

વડોદરા, તા.17 ગુજરાત જમીન ટોચ મર્યાદાના કાયદામાંથી છટકવા માટે જમીન માલિકોએ બોગસ રેકર્ડ બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ડભોઇ કૃષિપંચ મામલતદાર પી.આર. સંગાડાએ બારીપુરામાં રહેતા દેવેન્દ્ર કનુભાઇ પટેલ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બારીપુરાની સિલિંગ એક્ટ હેઠળની જમીન અંગે જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં ચર્ચા થયા બાદ ફોજદારી ફરિયાદ કરવાનું નક્કી થયું છે. જમીન ટોચમર્યાદાના કાયદામાંથી બચવા માટે તેમના દાદી ગંગાબેન એક જ વ્યક્તિ હોવા છતાં તેઓ અલગ અલગ છે તેમ દર્શાવ્યું હતું.
સિલિંગ એક્ટના કેસ દરમિયાન તેમણે રેકર્ડ રજૂ કર્યા તેમાં ગંગાબેન તા.૨૪ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ મૈયત થયા હોય તેમ દર્શાવ્યું હતું જ્યારે અન્ય કેસમાં ગંગાબેન તા.૨૬ નવેમ્બર ૧૯૮૬ના રોજ મૈયત થયા હોવાનું જણાવ્યું હતું. મહત્વની બાબત એ છે કે તેઓ જે દિવસે મૃત્યુ થયા છે તે દર્શાવ્યું છે તે જ દિવસે તેમણે વિલ બનાવ્યું હોવાનો રેકર્ડ પણ રજૂ કર્યો હતો. ખરેખર રેકર્ડનો અભ્યાસ અને ખરાઇ કરાવતા બંને ગંગાબેન એક જ છે પરંતુ અલગ અલગ દર્શાવ્યા હતાં. તેમની જમીનો સરકાર હસ્તક દાખલ ના થાય તે માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતાં.









