Get The App

અમદાવાદ: સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી નકલી ડૉક્ટરોની ગેંગનો એક શખસ ઝડપાયો, સિનિયર સિટીઝનને નિશાન બનાવતા

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
Fake Doctor Scam


Fake Doctor Scam: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને છેતરપિંડી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકી ફિઝિયોથેરાપીના ડૉક્ટરની ખોટી ઓળખ આપી, માંદગી કે ચાલવાની તકલીફ ધરાવતા વૃદ્ધોના ઘરે જઈ સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી હતી. બેંક મેનેજરની સતર્કતાને કારણે આ ગેંગના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને વૃદ્ધના લાખો રૂપિયા બચાવી લેવાયા છે.

નકલી ડૉક્ટરોની ગેંગનો એક શખસ ઝડપાયો

મળતી માહિતી મુજબ, બેંક ઓફ બરોડાની ડ્રાઇવ-ઈન રોડ શાખાના મેનેજરે સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરી હતી કે એક સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી પોતાની FDમાંથી મોટી રકમ ઉપાડી રહ્યા છે. બેંક કર્મચારીઓને શંકા હતી કે આ વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોઈ શકે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ બેંક ખાતે પહોંચી હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યો શખસ સતત આ વૃદ્ધની રેકી કરી રહ્યો હતો. આ પછી પોલીસે તે શખસને પકડી પાડ્યો હતો.

મોડસ ઓપરેન્ડીનો ખુલાસો 

પકડાયેલા આરોપી મોહમ્મદ અમજદની પૂછપરછમાં આખી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો. આ ટોળકીના સભ્યો હોસ્પિટલ, બજાર કે અન્ય જગ્યાઓએ ફરતા રહેતા અને ચાલવામાં તકલીફ હોય તેવા એકલા રહેતા વૃદ્ધોને શોધતા હતા. ટોળકીનો એક સભ્ય એન્જિનિયર કે નિતિન અગ્રવાલ તરીકે ઓળખ આપી વૃદ્ધનો વિશ્વાસ જીતતો અને ડૉ. દીવાન નામના ડૉક્ટરનો રેફરન્સ આપતો. 

તેઓ એવી ખોટી વાતો કરતા કે તેમની માતાને પણ ચાલવાની તકલીફ હતી જે ડૉ. દીવાનની સારવારથી મટી ગઈ છે. આ જાળમાં ફસાઈને જ્યારે વૃદ્ધ ડૉક્ટરને બોલાવતા, ત્યારે ડૉ. દીવાન અને તેનો આસિસ્ટન્ટ ધનરાજ પાટીલ બનીને આરોપીઓ ઘરે પહોંચતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ખોખરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ, સીસીટીવીમાં કેદ થઈ ચોરની કરતૂત

ત્યારબાદ આ નકલી ડૉક્ટરો સારવારના નામે વૃદ્ધના શરીરમાં સોય મારીને કાળું લોહી કાઢવાનું નાટક કરતા હતા. તેઓ આ કાળા લોહીના એક ટીપાંના 7000 રૂપિયા ચાર્જ વસૂલતા હતા. આ રીતે આરોપીઓએ વૃદ્ધ પાસેથી અગાઉ 4,00,000 રૂપિયા પડાવી લીધા હતા અને બીજા દિવસે વધુ 2,70,000 રૂપિયા ઉપડાવવા માટે તેમને બેંક મોકલ્યા હતા. જોકે, પોલીસે આ રકમ રિકવર કરી છે. 

હાલમાં મૂળ રાજસ્થાનના અને હિંમતનગરમાં રહેતા મોહમ્મદ અમજદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કૌભાંડમાં સામેલ અન્ય ત્રણ મોહમ્મદ આર્યન, મોહમ્મદ શેરુ ઉર્ફે નોમાન અને મોહમ્મદ સમીરને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.