માત્ર અનુમાનને આધારે સારવાર કરતો હતો
પોલીસે મેડિકલ સાધનો,દવાઓ સહિતની રૂ.1 લાખથી વધુની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો
તારાપુર તાલુકાના ખડા પીએચસીના મેડિકલ ઓફિસરને માહિતી મળી હતી કે, રીંઝા ગામે આવેલા ઓડ ફળિયામાં રહેતા ચંદુભાઈ રાહુભાઈ ગોહેલના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર ભાડાના ઘરે જ દવાખાનુ શરૂ કરીને એલોપેથી દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. જેના આધારે મેડિકલ ઓફિસર અને પોલીસની ટીમે સાથે છાપો મારતાં ઘરમાંથી એક શખ્સ મળી આવ્યો હતો. જેનું નામઠામ પૂછતાં શખ્સે મિલટોન ઉર્ફે મીલન સુભાષભાઈ સાધુ (રહે. મૂળ પશ્ચિમ બંગાળ)નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનુ સક્ષમ અધિકારીનું સર્ટીફીકેટ કે ડિગ્રીની માંગણી કરતા તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો, દવાઓ, ઈન્જેક્શનો સહિત કુલ રૂપિયા ૧,૦૦,૫૦૧નો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલ નકલી ડૉક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.


