બોરસદમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

- ભોભા ફળીમાં 'આદર્શ' દવાખાનું ચાલતું હતું
- ક્લિનિકમાંથી એલોપથી દવાઓ, સાધનો સહિત રૂા. 3,746 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ
બોરસદના ભોભા ફળી નજીક વજેડીયાવાડ પાસે આવેલા દવાખાનામાં આરીફ મહમ્મદ વજીરૂદ્દીન મલેક ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી એસઓજી પોલીસની ટીમે બોરસદ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી તપાસ કરતા બાતમીવાળા સ્થળે આદર્શ દવાખાનું ચાલતું હોવાનું જોવા મળ્યું હતું.
પોલીસે અંદર જઈ તપાસ કરતા આરીફ મહમ્મદ વજીરુદ્દીન મલેક સાહેબ મળી આવ્યો હતો. તેની પાસે ડોક્ટર હોવા અંગેના પ્રમાણપત્રની માંગણી કરતા તબીબી ડિગ્રી તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે દવાખાના ખાતેથી એલોપેથિક દવાઓ સહિત સાધનો મળી કુલ રૂપિયા ૩૭૪૬નો મુદ્દામાલ કબજે લઈ ડિગ્રી કે સર્ટિ. વિના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ ચલાવતા આરીફ મહમ્મદ મલેક વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








