VIDEO: સુરતના ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસો લગાવાતાં હોબાળો, પોલીસ-તંત્ર દોડતું થયું
Surat News : ગુજરાતમાં અમદાવાદ, દ્વારકા સહિતના વિસ્તારોમાં જાહેર જગ્યાઓ પર ગેરકાયદે કરવામાં આવેલા દબાણોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરના ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક તંત્ર અને પોલસ દોડતી થઈ હતી. જ્યારે આ મામલે જાણવા મળ્યું હતું કે, મકાનો પર લગાવેલી નોટિસ નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી નોટિસ લગાવવા મામલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડિમોલિશનની નકલી નોટિસ લગાવાતાં રહીશોમાં ભય
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-2 સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલિશનની નોટિસો લગાવવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મકાનો પર લગાવેલી નોટિસમાં લખ્યું હતું કે, 'મનપાની સૂચના મુજબ આ મકાન 7 દિવસમાં તોડી પાડવામાં આવશે.' આ મામલે રહીશો SMC અને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ પછી સ્થાનિકો જાણવા મળ્યું હતું કે, મહાનગર પાલિકાએ આ પ્રકારની કોઈ નોટિસ જાહેર ન કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ હકીકતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે 'આ નોટિસો સંપૂર્ણપણે નકલી છે અને કોઈ અજાણ્યા તત્ત્વો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે.' જ્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.