Gujarat

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કૉલેજ પકડાઈ! NCTEનો મંજૂરી પત્ર જ બોગસ

By GS TEAM
26 Feb 20263 mins read
TukuTouch Logo
ઉના પંથકના ભાચા ગામમાં 'વનિતાબહેન બચુભાઈ નાંડોળા બીએડ કૉલેજ' NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કૉલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કૉલેજ પકડાઈ! NCTEનો મંજૂરી પત્ર જ બોગસ

Una Fake B.ed College: ઉના પંથકના ભાચા ગામમાં 'વનિતાબહેન બચુભાઈ નાંડોળા બીએડ કૉલેજ' NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કૉલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.

આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કૉલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઊભી થઈ છે.

બોગસ બીએડ કૉલેજોના ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ

છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કૉલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્પદ બીએડ કૉલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો, જેના કારણે અનેક કૉલેજોની મંજૂરી પણ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉનાના ભાચા ગામની વી. બી. નાંડોળા બીએડ કૉલેજ બોગસ હોવાના ગંભીર આરોપો વચ્ચે આરટીઆઇ(RTI) અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.

NCTEનો ચોંકાવનારો ખુલાસો

આરટીઆઇના જવાબના આધારે કૉલેજ પાસે રહેલા મંજૂરીના પત્રો સાચા છે કે ખોટા, તેની એનસીટીઈ(NCTE)માં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલી માહિતીના આધારે એનસીટીઈએ ચોંકાવનારો ખુલાસો કરતાં સ્પષ્ટતા કરી છે કે, 'તારીખ 05-06-2023 અને તારીખ 25-07-2025ના રોજ અમે કોઈ પત્ર લખ્યો નથી કે આવી કોઈ મંજૂરી પણ આપેલી નથી.' આ ઘટસ્ફોટ બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ચૂક્યા છે અને જેમને ડિગ્રી એનાયત થઈ ગઈ છે, તેમનું ભવિષ્ય હવે શું?

માન્યતા વગર જ ધમધમતો અભ્યાસ

વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી. બી. નાંડોળા બીએડ કૉલેજમાં અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ કૉલેજ પાસે NCTEની કોઈ માન્યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ કૉલેજની પરીક્ષા લેવામાં આવી હતી. એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે જ્યારે કૉલેજ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને વિદ્યાર્થીઓના ભાવિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

અધિકારીઓના નામે નકલી પત્રો તૈયાર કરાયા

NCTEના લેટરપેડનો દુરુપયોગ કરીને તારીખ 05-06-2023ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગરને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વર્ષ 2023-24 માટે વી. બી. નાંડોળા બીએડ કૉલેજને 100 વિદ્યાર્થીઓની મંજૂરી મળી હોવાનું દર્શાવી, તેમાં NCTEના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. મિતુ ભારતીની બોગસ સહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

ત્યારબાદ, વધુ એક કૌભાંડ આચરતા NCTEના જ લેટરપેડ પર તારીખ 25-07-2025ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સંબોધીને બીજો પત્ર લખાયો હતો. આ પત્રમાં વર્ષ 2023-24ની મંજૂરીનો ઉલ્લેખ કરી, વર્ષ 2025-26માં જો વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પત્રમાં રિજનલ ડાયરેક્ટર મુકેશકુમારની નકલી સહીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.

પત્રની ખરાઈ કરવા યુનિ.એ પત્ર લખ્યો પણ ત્યાં ન પહોંચ્યો

જ્યારે આ સમગ્ર વિવાદ ચાલતો હતો, ત્યારે તેને શાંત પાડવા માટે યુનિવર્સિટીના તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મયંક સોની દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, 05-06-2023નો મંજૂરી પત્ર સાચો છે કે ખોટો તેની ખરાઈ કરવા માટે 06-02-2024ના રોજ NCTEને પત્ર લખવામાં આવ્યો છે.

જોકે, આ મામલે પણ ચોંકાવનારો વળાંક આવ્યો છે. RTI અંતર્ગત જ્યારે NCTE પાસે પૂછપરછ કરવામાં આવી કે શું તેમને નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આવો કોઈ પત્ર મળ્યો છે? તેના જવાબમાં NCTEએ સ્પષ્ટ જણાવ્યું કે, તેમને આવો કોઈ જ પત્ર મળ્યો નથી. આમ, યુનિવર્સિટી દ્વારા તપાસના નામે માત્ર સ્થાનિક કક્ષાએ ખોટી માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોય તેવું જણાય છે.