વડોદરાઃ પાણીગેટ બાવામાનપુરાના એક મકાનમાંથી ક્રાઇમ બ્રાન્ચે ચરસનો જથ્થો ઝડપી પાડી એક મહિલા અને ચરસ વેચતા નામચીન ફૈઝલખાનને ઝડપી પાડયા છે.
બાવામાનપુરામાં નૂરાની મસ્જિદ પાસે રહેતી હમીદાબીબી એહમદમીયા બેલીમને ત્યાં ચરસનો જથ્થો મુકાયો હોવાની વિગતો મળતાં પોલીસે દરોડો પાડી ટીવી પાછળના એક લેડીઝ પર્સમાંથી રૃ.૫૧ હજારનો ૨૦૪ ગ્રામ ચરસ કબજે લીધો હતો.
પોલીસે મહિલાની પૂછપરછ કરતાં આ જથ્થો નજીકમાં રહેતો ફૈઝલખાન ઉર્ફે લાલો ચિલ્લર હૈદરખાન પઠાણ મૂકી ગયો હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે ફૈઝલને પણ ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન તેણે આ જથ્થો સુરતના મોહસીન પાસેથી લીધો હોવાની માહિતી બહાર આવતાં પોલીસે મોહસીનને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ફૈઝલ સામે અગાઉ નારકોટિક્સ એક્ટના બે ગુના તેમજ ચોરી,લૂંટ,મારામારી, હદપારના ભંગ જેવા કુલ ૧૫ ગુના નોંધાયા હતા.પોલીસે બે મોબાઇલ પણ કબજે કરી ડ્રગ્સના નેટવર્કની તપાસ શરૃ કરી છે.


