કમિશન રૂ.5,000થી વધારીને 50,000 કરવા સસ્તા અનાજની દુકાન ધારકોની માગ

Vadodara : સરકારના સસ્તા અનાજની દુકાનના પરવાના ધારકોએ કમિશન વધારવાની માંગ સાથે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. સસ્તા અનાજના વેપારીઓએ જણાવ્યું હતું કે, સરકાર અમને પૂરતું વળતર આપી રહી નથી. અમને કમિશન પેટે રોજના માત્ર રૂપિયા 200 મળી રહ્યા છે. જેથી હાલ મહિને કમિશનના રૂપિયા 5,000ની આસપાસ અમને મળતા હોય છે.
અમારી માંગણી છે કે, સરકાર પ્રતિ માસ અમને રૂપિયા 50,000નું કમિશન આપે. સરકારે અગાઉ એવું કહ્યું હતું કે, 100માંથી 97 રેશનકાર્ડ ધારકો સસ્તું અનાજ લઈ જાય છે તો તે દુકાનનું કમિશન રૂ.20,000 કરી દેવામાં આવશે. હાલ ઘણી દુકાનમાં 100% રેશનકાર્ડ ધારકો પોતાનું અનાજ લઈ જાય છે તેમ છતાં કમિશન વધારવામાં આવતું નથી. ઉપરાંત કોઈ ફરિયાદ ન હોવા છતાં ઘણી વખત સરકારી અધિકારી તપાસના બહાને આવીને સસ્તા અનાજની દુકાનો પરથી ઉઘરાણા કરે છે એ પણ બંધ થવી જોઈએ. જો કોઈ કાર્ડ ધારકની ફરિયાદ હોય તો જ અધિકારીએ સસ્તા અનાજની દુકાન ખાતે ચેકિંગ માટે આવવું જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો વ્યક્ત કર્યો છે.

