Gujarat

સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ને બે વર્ષમાં વિવિધ પ્રોજેકટ માટે ૮૩૦ કરોડની ફાળવણી

By GS TEAM
10 Jul 20252 mins read
સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ને બે વર્ષમાં વિવિધ પ્રોજેકટ માટે ૮૩૦ કરોડની ફાળવણી

અમદાવાદ,બુધવાર,9 જુલાઈ,2025

ભારત સરકારના નાણાંમંત્રાલય દ્વારા સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટસ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજય સરકાર દ્વારા બે વર્ષમાં વિવિધ પ્રોજેકટ અંતર્ગત રુપિયા ૮૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.શહેરના સૌથી જુના એવા લકકડીયા પુલના રીનોવેશન માટે રુપિયા ૩૨ કરોડની ગ્રાન્ટ ફળવાઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬ માટે પણ આ હેડ અંતર્ગત રુપિયા ૪૨૫ કરોડની ફાળવણી કરાશે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એેક્ષ્પેન્ડીચર દ્વારા અર્બન પ્લાનિંગ રીફોર્મ્સ અંતર્ગત સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટસ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત વર્ષ-૨૦૨૫-૨૬ માટે ફાયનાન્સ રીફોર્મ્સ, અર્બન પ્લાનિંગ રીફોર્મ્સ ઉપરાંત ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ,વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી, રોડ સેફટી જેવી બાબતના અમલીકરણ માટે ગ્રાન્ટ ફાળવવા અલગ અલગ રાજય પાસેથી દરખાસ્ત મંગાવાઈ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને   રાજય સરકાર તરફથી આ હેડ અંતર્ગત વર્ષ-૨૦૨૩-૨૪માં રુપિયા ૪૦૫ કરોડ તથા વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૪૨૫ કરોડની ગ્રાન્ટ  ફાળવવામા આવી હતી.કોર્પોરેશન દ્વારા શહેરમાં વર્કીંગ વુમન હોસ્ટેલ બનાવવા સહીતના અન્ય પ્રોજેકટ માટે આગામી સમયમાં એક ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાશે. આ રીપોર્ટ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગમાં મોકલી આપવામાં આવશે.

વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિ.કોર્પોરેશનને ૩૩૦૦ કરોડ  ગ્રાન્ટ મળશે

વર્ષ-૨૦૨૫-૨૬ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને  કેન્દ્ર અને રાજય સરકાર તરફથી વિવિધ પ્રોજેકટ અંતર્ગત રૃપિયા ૩૩૦૦ કરોડ ગ્રાન્ટ પેટે મળશે.જેની વિગત આ મુજબ છે.

૧.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના       ૨૨૫૦  કરોડ

૨. અમૃત-૨(કેન્દ્ર) પ્રોજેકટ                               ૨૫૦ કરોડ

૩.પંદરમા નાણાંપંચની ગ્રાન્ટ                            ૩૭૫ કરોડ

૪. સ્કીમ ફોર સ્પેશિયલ આસિસ્ટન્ટ                    ૪૨૫ કરોડ

વર્ષ-૨૦૨૪-૨૫માં  ૫૪૧૯ કરોડના  વિકાસના કામ થયા હોવાનો શાસકપક્ષનો દાવો

વર્ષ-૨૦૨૪-૨૫ અને વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજુર કરેલા વાર્ષિક બજેટને લઈ સમિક્ષા બેઠક યોજાઈ હતી. વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૧૨૨૬૨.૮૩ કરોડનુ બજેટ મંજુર કરાયુ હતુ.જે પૈકી રુપિયા ૫૮૭૦.૮૪ કરોડનો રેવન્યુ તથા રુપિયા ૫૪૧૯.૮૦ કરોડના વિકાસના કામ માટેના  ખર્ચ સહીત કુલ રુપિયા ૧૧૨૯૦.૬૪ કરોડનો અંદાજિત ખર્ચ કરાયો હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ કહયુ હતુ.વર્ષ-૨૦૨૫-૨૬માં ૩૦ જુન સુધીમાં  વિકાસના કામ માટે રુપિયા ૧૪૮૪.૯૬ કરોડ ખર્ચ કરાયો છે. ગત વર્ષના બજેટમાં મુકાયેલા કઠવાડા  ખાતે ગૌ-શાળા બનાવવા તથા ડિસિલ્ટીંગમાંથી નીકળતા શિલ્ટનો ઉપયોગ કરવાના પ્રોજેકટને પડતા મુકાયા હતા.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં અંદાજે ત્રણ હજાર સી.સી.ટી.વી.કેમેરા લગાવાશે.