Gujarat

બાવળાના કેરાળામાં બુટભવાની મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

By GS TEAM
5 Dec 20251 min read
બાવળાના કેરાળામાં બુટભવાની મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ગામમાં ચોરીના વધતા બનાવોથી ભય

મંદિરના પૂજારીને આવતા જોઈને ચોર ભાગી છૂટયા ઃ રૃ.૧૦ લાખથી વધુની સામગ્રી ચોરી થતા બચી

બગોદરાબાવળા તાલુકાના કેરાળા ગામે હાઈવે નજીક આવેલા સુપ્રસિદ્ધ બુટભવાની માતાજીના મંદિરને વહેલી સવારે લગભગ ૫ વાગ્યે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો લોખંડ કાપવાના સાધનો વડે મંદિરના રસોડાનો દરવાજો કાપીને અંદર પ્રવેશ્યા હતા અને રસોડામાં રાખેલા સ્પીકરની ત્રણ કોલમો ચોરી લીધી હતી.

તસ્કરો સ્પીકરની કોલમો લઈને બાજુમાં આવેલા સ્મશાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગામના પૂજારી ધીરુભાઈ ડમરુ વગાડતા નિયમિત પૂજા માટે મંદિરે આવી પહોંચ્યા હતા. પૂજારીને આવતા જોઈને ગભરાયેલા ચોરો પોતાનો માલ-સામાન અને લોખંડ કાપવાના એક્ષોબ્લેડ, પક્કડ જેવા સાધનો ઘટનાસ્થળે છોડીને તાત્કાલિક ભાગી છૂટયા હતા. જો પૂજારી સમયસર ન પહોંચ્યા હોત તો ચૈત્ર મહિનાના ભંડારા માટેના અંદાજે રૃ.૧૦ લાખથી વધુ મૂલ્યના સાધનો ચોરાઈ ગયા હોત.

કેરાળા ગામમાં છેલ્લા થોડા સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ગ્રામપંચાયતના બોરના મોટર કેબલ ચાર વખત ચોરાયા હતા અને માત્ર સાત દિવસ પહેલાં જ સરકારી દવાખાનાની દિવાલ તોડીને કોમ્પ્યુટરની ચોરી થઈ હતી. ચોરીના વધતા બનાવોને કારણે ગ્રામજનોમાં ભય અને આક્રોશની લાગણી ફેલાઈ છે. આ અંગે કેરાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને ગામલોકોએ સઘન પેટ્રોલિંગની માગ કરી છે.