Gujarat

યુનિ.ની ફેકલ્ટીઓનું શિક્ષણકાર્ય શરુ કરવાનું અલગ-અલગ ટાઈમ ટેબલ

By GS TEAM
29 Jun 20252 mins read
યુનિ.ની  ફેકલ્ટીઓનું  શિક્ષણકાર્ય શરુ કરવાનું  અલગ-અલગ ટાઈમ ટેબલ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય શરુ કરવામાં વિવિધ ફેકલ્ટીઓના ટાઈમ ટેબલમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે.આર્ટસ ફેકલ્ટીમાં ૧ જૂલાઈથી એફવાયનું  શિક્ષણ શરુ થશે.સાયન્સ ફેકલ્ટીમાં એફવાયનું શિક્ષણ અંશતઃ શરુ કરી દેવાયું અને કોમર્સ ફેકલ્ટીમાં હજી એફવાયનું શિક્ષણ શરુ કરવાની તારીખ નક્કી થઈ નથી.

એફવાયમાં પ્રવેશની કાર્યવાહી પણ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં હજી એમકોમના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરુ થયું છે.એફવાય, એસવાય અને ટીવાય તેમજ એમકોમના પહેલા વર્ષના શિક્ષણ કાર્યની તારીખ જાહેર કરવામાં નથી આવી.

બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં તા.૩૦ જૂનથી એસવાય, ટીવાય, એમએના અને તા.૧ જુલાઈથી એફવાયના શિક્ષણનો પ્રારંભ થશે.જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં એસવાય,ટીવાય અને એમએસસીના લેકચર શરુ થઈ ગયા છે અને એફવાયના કેટલાક વિષયો ભણાવવાનું શરુ કરાયું છે.

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં એફવાય સહિત તમામ વર્ષના વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યનો તા.૩૦ જૂલાઈથી પ્રારંભ થવાનો છે.જ્યારે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં એફવાય, એસવાય અને ટીવાયના વર્ગો તા.૧ જુલાઈથી શરુ થનાર છે.હોમસાયન્સ ફેલ્ટીના સૂત્રોનું કહેવું છે કે,એસવાય- ટીવાય અને એમએસસીના વર્ગો શરુ થયા છે અને એફવાયનું શિક્ષણ કાર્ય અંશતઃ શરુ કરાયું છે.એફવાયના  વિદ્યાર્થીઓનું તા.૧ જુલાઈએ ઓરિએન્ટેશન યોજાશે.

આર્ટસ્ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની જેમ હંગામી અધ્યાપકોનું પણ ઓરિએન્ટેશન 

યુનિવર્સિટીની દરેક ફેકલ્ટી દ્વારા એફવાયના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે ત્યારે આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની જેમ હંગામી અધ્યાપકોનો પણ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.કલ્પના ગવલી તેમજ એસોસિએટ ડીન પ્રો.હિતેશ રાવિયાએ હંગામી અધ્યાપકોને યુનિવર્સિટી તેમજ આર્ટસ ફેકલ્ટી અંગે તથા યુનિવર્સિટીની કામગીરી કેવી રીતે થાય છે તેની જાણકારી આપી હતી.આ વર્ષે આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં ૫૯ હંગામી અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવી છે.આ પૈકી ઘણા હંગામી અધ્યાપકો પહેલી વખત ફેકલ્ટીમાં ફરજ બજાવવાના હોવાથી સત્તાધીશોએ  આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.