Gujarat

પિતા - પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું

By GS TEAM
15 Sep 20251 min read
પિતા - પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું

વડોદરા,પ્લાસ્ટિકના દાણાના બાકી  પડતા નાણાંની ઉઘરાણી કરી ફેક્ટરી માલિકને ધમકી આપતા હતાશ થઇને ફેક્ટરી માલિકે ઝેરી દવા પી લીધી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર કૃષ્ણાવાટિકામાં રહેતા દેવાંગભાઇ ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી મકરપુરા જી.આઇ.ડી.સી.માં ક્રિષ્ણા પોલીમર નામની કંપની ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારી કંપની પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરે છે. દાણાનો માલ ભરતભાઇ કૃપાશંકરભાઇ ઉપાધ્યાય (રહે. સિદ્ધાર્થ રેસિડેન્સી, મોટનાથ  રોડ, ગદા સર્કલ પાસે, હરણી) પાસેથી લઇએ છે. ભરતભાઇ પાસેથી પ્લાસ્ટિકના દાણા ઉધાર લીધા  હતા. તેના પાંચ લાખ આપવાના બાકી હતા. તેઓ અવાર - નવાર અમને કોલ કરીને ધમકી આપતા હતા. ગત ૧૨ મી ઓગસ્ટે સાંજે  સાડા છ વાગ્યે ભરતભાઇ તથા તેમનો દીકરો વિશાલ અમારી કંપની પર આવ્યા હતા. તેઓએ રૃપિયાની ઉઘરાણી કરી મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓ ઉગ્ર બોલાચાલી કરી જતા રહ્યા હોવાથી મેં ડિપ્રેશનમાં આવીને ઓફિસમાં જ ઝેરી દવા  પી લીધી હતી અને મારી પત્નીને વાત કરી હતી. મારી  પત્ની મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી.