ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ
નકલી કેમિકલ ભરેલી 2051 અને ખાલી ૧૩૭૦ બેગ, પ્રિન્ટિંગ મશીન સહિત 15 લાખનો મુદમાલ કબજે, બે આરોપીની અટકાયત
આ અંગે પીડીલાઇટ કંપનીના મલયભાઇ યોગેશભાઇ શાહે આરોપીઓ શિરીષભાઇ અમરશીભાઇ ચારોલા, અનિલભાઇ હરીભાઇ બાવરવા અને મયુરભાઇ જયસુખભાઇ સાંગાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયું છે કે મોરબીના લાલપર ગામના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ - ૫માં પ્લોટ નં. ૨૭માં આવેલા એબીએસ બિલ્ડ ઇન્ડિયા નામના કારખાનામાં આરોપીઓ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડુપ્લીકેટ બેગો બનાવી કંપનીના ટ્રેડ માર્ગનો ગેરકાયદે ઉપયોગ કરી અને આ ડુપ્લીકેટ માર્કાવાળી બેગમાં કંપનીનું ટાઇલ્સ ચોંટાડવાનું ડુપ્લીકેટ રો - મટિરિયલ્સ ભરી બજારમાં સસ્તા ભાવે વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન કરતા હતા.
આરોપી શિરિષભાઇ તથા અનિલભાઇના કબજાવાળા શેડમાંથી પીડી લાઇટ કંપનીના માર્કાવાળી વિવિધ મટીરીયલ ભરેલી રૂા. ૧૫ લાખની કિંમતની ૨૦૫૧ બેગ, માર્કાવાળી ૧૩૭૦ ખાલી બેગ પ્રિન્ટિંગ મશીન, સિલાઇ મશીન મળી કુલ ૧૫.૧૮ લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી મયુર બેગ તૈયાર કરાવી આપતો હોવાનું ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસે શિરીષ અને અનિલ એમ બે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


