Get The App

તાલાલા પંથકમાં તાંત્રિક વિધિના નામે પૈસા ખંખેરતી ટોળકીના કરતૂતનો પર્દાફાશ

Updated: May 15th, 2023

GS TEAM

Google News
Google News
તાલાલા પંથકમાં તાંત્રિક વિધિના નામે પૈસા ખંખેરતી ટોળકીના કરતૂતનો પર્દાફાશ 1 - image


પાણીકોઠાના તાંત્રિક મુસા હાજી સમા સહિત 10  પકડાયા, 3 સોનાના દાગીના સહિત 19 લાખનો મુદ્દામાલ કબજે : 'સાક્ષાત માતાજી આવે છે' તેમ કહી પૈસાનો ઢગલો કરી દેશે તેવી ધતીંગલીલા આચરી રાજકોટના શખ્સ પાસેથી લાખો રૂ. પડાવ્યાઃ સસ્તી કિંમતે સોનાનો નાગ લેનારા સોની સહિત ૪ શખ્સોની શોધખોળ

વેરાવળ, : એક બાજુ એકવીસમી સદીમાં જવાની આધુનિક ટેકનોલોજીની વાતો થઈ રહી છે જયારે બીજી બાજુ સમાજના કેટલાક વર્ગમાં અંધશ્રધ્ધા ભારોભાર હોવાના ઉદાહરણો મળી આવે છે. તાલાલા પંથકના કોટડાપીઠા ગામે પોતાને સાક્ષાત માતાજી આવે છે પૈસાનો ઢગલો કરી દેશે તેવો ડોળ કરી ધતીંગ કરનારા તાંત્રિક મુસાભાઈ  હાજીભાઈ સમા અને તેના કારસ્તાનમાં જોડાયેલા ૧૦ શખ્સોને રૂ.૧૯ લાખનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. હજુ ચાર આરોપી આ પ્રકરણમાં સંડોવાયેલા હોવાથી તેની શોધખોળ જારી રાખવામાં આવી છે. 

આ ઘટનાની ગીર સોમનાથ પોલીસમાંથી જાણવા મળતી ચોંકાવનારી વિગતો એવી છે કે આશરે બે વર્ષ પહેલાં રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પુષ્કરધામ નજીક હરકિશનભાઈ મગનપુરી ગૌસ્વામી સાધુબાવાના પહેરવેશમાં ચા પીવા બેઠા હતા ત્યારે ત્યાં ગાડી રીપેરીંગ કામે આવેલા અલ્તાફ મુસાભાઈ સમા (ઉ.વ. 18 રહે. પાણી કોઠા, તા. તાલાલા)એ તમે આશ્રમ ચલાવો છો બાપુ તેમ કહી વાતચીત શરૂ કરી હતી. જવાબમાં સાધુવેશમાં હરકિશનભાઈએ જણાવ્યું હતું કે એટલા પૈસા નથી કે આશ્રમ ચલાવી શકાય તેથી અલ્તાફે તમે પાણીકોઠા ગામે આવો ત્યાં મુસાબાપુ તમને પૈસાનો ઢગલો કરી દેશે તેમ કહી અરજદાર હરકિશનભાઈને પાણીકોઠા ગામે લઈ ગયા હતા. જયાં પોતાને સાક્ષાત માતાજી આવે છે પૈસાના હમણાં ઢગલો કરી દેશે તેવી વાત કરનાર મુસાબાપુએ સાંજના ઝાડની પાછળ બેસાડી ગોળ કૂંડાળુ કરી લાકડી જમીનમાં પછાડતા અચાનક એક લાંબા વાળ વાળી કાળા વસ્ત્રો ધારણ કરેલી વ્યક્તિ પ્રગટ થઈ હતી. જે માતાજીને મુસાબાપુએ કહ્યું હતું કે આ ભેખધારી માણસને પૈસાની જરૂર છે તમે કૃપા કરો એમ કહેતાં માતાજી અંધારામાં અદ્રશ્ય થઈ ગયા હતા ત્યારબાદ મુસા બાપુએ માતાજીને પ્રસન્ન કરવા માટે કામરૂપ દેશ અથવા પુષ્કર દેશનું તેલ  મંગાવવું પડશે તેની કિંમત રૂ. 5 લાખ છે. સગવડ થાય ત્યારે ફોન કરજો. બાદમાં ચાર દિવસ પછી મુસાબાપુએ અત્યારે તમે પૈસા વ્યાજે લઈ લ્યો પછી હું તમને પૈસાનો ઢગલો કરી આપુ તેમાંથી પૈસા પાછા આપી દેજો એમ વાત કહેતા ફરિયાદી હરકિશનભાઈએ લંડન રહેતી બહેન પાસેથી રૂ. 4 લાખ તેમજ મામાની દિકરી પાસેથી 1 લાખ અને 50,000 પોતાની પાસે હોય ભેગા કરી મુસાબાપુને આપ્યા હતા. તેમજ મામાની દિકરી નીતાબેનને પાણીકોઠા લઈ ગયા હતા ત્યાં કોઈ ભગવાધારી કપડા પહેરી માણસ તેલની શીશી આપી ગયો હતો. આ તેલમાંથી જૂની જગ્યાએ આંબાના ઝાડ પાછળ નીતાબેન ડરી ગયા હતા તેથી તેઓ ડરીને જતા રહ્યા હતા ત્યારબાદ જૂની વિધિ ફરીને કરતા માતાજી પ્રગટ થયા હતા તેમજ માતાજીએ કહેલ કે અત્યારે તમારૂ કામ થઈ જશે અત્યારે ધર્માદાના પૈસા આપુ છું. આશ્રમના પૈસા પછી આપી દઈશ તેમ કહી માતાજી અદ્રશ્ય થઈ ગયા હતા. બાદ રૂમની અંદરનું બારણું બંધ કરીને વિધિ કરતા મુસાબાપુએ ફરીયાદી જે રૂપિયા આપ્યા હતા તેની સામે સાચી-ખોટી નોટો બતાવી ઢગલો કરી આ પૈસા આશ્રમના છે તમે તેલની શીશી રાજકોટ લઈ જાવ ત્યાં વિધિ કરતા જ રૂપિયાના ઢગલાં થશે તેમ કહ્યું હતું.  ત્યારબાદ ફરિયાદીએ રાજકોટ વિધિ કરવા માટે મુસાબાપુને કહેતા તેણે તેલની શીશીમાં તેલ છે કે કેમ ? તે જણાવ્યું હતું પરંતુ અગાઉથી તેલની શીશી બદલાવી નાખવામાં આવી હોવાથી તેલ નહીં હોવાથી હવે ફરીને તેલ મગાવવા માટે રૂ.પાંચ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. તેથી ફરિયાદીએ પોતાના સેવક પાસેથી રૂ. સાડા પાંચ લાખ લઈ મુસાબાપુને આપતા અગાઉની માફક ફરીને ભગવાધારી તેલની શીશી આપી ગયો હતો ત્યારબાદ માતાજી ફરી પ્રગટ થયા હતા. તેણે કુંવારી કન્યાની ખોપરી ચડાવો તેમ આદેશ આપ્યો હતો તેથી કુંવારી કન્યાની ખોપરી માટે બીજા ત્રણ લાખ થશે તમારૂ કામ છેલ્લા સ્ટેજમાં છે તેમ જણાવતા ફરીને પૈસા ભેગા કરી મુસાબાપુને આપતા ભગવાધારી માણસ કલીફૂલ (કુંવારી કન્યાની પ્લાસ્ટીકની નકલી ખોપડી) આપી ગયો હતો. રસ્તામાં પાણી છાંટી ભડકો કરી આ ખોપડી બરાબર હોવાનું કહી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વાહન ચેકિંગના નામે સાદા કપડામાં ખોટી પિસ્તોલ ટીંગાડેલી નકલી પોલીસે મર્ડરકેસના ગુનાની તપાસ કરી ખોપડી તેમજ ત્રણ લાખ મળી આવતા ફરિયાદીને ભગાડી દઈ ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું તેમજ થોડા દિવસ પછી માતાજી નારાજ હોય હવે આ વિધિ નહીં થાય તેમ જણાવી દેતા અરજદાર હરકિશનભાઈ મગનપુરી ગોસ્વામીએ તાલાલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી થઈ હોવાનું જણાવતા આ પ્રકરણમાં પોલીસે સાક્ષાત માતાજીને બોલાવનાર તાંત્રિક (૧) મુસાભાઈ હાજીભાઈ સમા (ઉ.વ. 60 રહે. પાણીકોઠા, તા. તાલાલા), હેલ્મેટમાં વાંસ ફીટ કરી ડુપ્લીકેટ માથુ બનાવી લાંબા વાળ સાથે પ્રગટ થનાર માતાજી (2) અલ્તાફ મુસાભાઈ સમા (ઉ.વ. 18 રહે. પાણીકોઠા) તેલની શીશી અને પ્લાસ્ટીકની ખોપડી લાવનાર (3) સીકંદર મોતીશા શામદાર (ઉ.વ. 35, રહે. સીડોકર), નકલી પોલીસ ઈન્સ્પેકટર  (4) અબ્દુલ ઉર્ફે વકીલ હેદરભાઈ બલોચ (ઉ.વ. 41, રહે. પાણીકોઠા) (5) નકલી પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ઈસ્માઈલ મજગુલ (ઉ.વ. 57, રહે. જાંબેર તા. તાલાલા) (6) નકલી પોલીસ કોન્સ્ટેબલ ઈમ્તીયાઝ ઉર્ફે યુસુફ મુસાભાઈ સમા (ઉ.વ. 22, રે. પાણીકોઠા, તા. તાલાલા (7) નજીમ નાશીરબાપુ રફઈ (ઉ.વ. 22 રહે. સાતવડલા, તા. જૂનાગઢ) (8) જગદીશભાઈ વલ્લભભાઈ તીલાવત (ઉ.વ. 58 રહે. આંકોલવાડી) (9) દીપક ત્રિભુવનદાસ ચૌહાણ (ઉ.વ. 40 રહે. આંકોલવાડી (10) વજેસીંગ ઉર્ફે કાળુભાઈ ઓધડભાઈ ઝાલા (ઉ.વ. 46 રહે. જાવંત્રી તા. તાલાલા)ને ઝડપી લીધા હતા.  તેમજ વગર બિલે સોનાનો માલ સ્વીકારી બીલ વાળા સોનાના અન્ય દાગીના આપનારા તાલાલાના પાલા જવેલર્સ વાળા સોની વિશાલભાઈ  (12) યાસીનભાઈ સેહબભાઈ બલોટ (રહે.મંડોરણા) (13) હમીરભાઈ ભરવાડ અને (14) દલાભાઈ કોળી (બન્ને રહે. રાજકોટ)ની સંડોવણી ખુલતા તેમની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 6,46,300 , 21 તોલા સોનાના દાગીના કિંમત રૂા. 11,56,244, તાંત્રિક વિધિમાં વપરાયેલા સાધનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 

માટલી બદલાવી મદારી પાસે સાચો નાગ કઢાવી ધતીંગ ચલાવ્યું સોનાનો નાગ માટલીમાં મુકી ધૂતારા મુસાબાપુએ અનેકને શીશામાં ઉતાર્યા : રાજકોટ, કુવાડવા, વેરાવળ, અમદાવાદ, બામણસા (ગીર) સિત ગામના શખ્સો પાસેથી સોનાના નાગની મૂર્તિ સાથે લાખો રૂ. પડાવ્યા

માતાજીને તમારે સોનાનો નાગ ચડાવવો પડશે તેમ કહી સોનાનો નાગ માટલાની દોણીમાં મુકી અગાઉથી નક્કી કર્યા મુજબ ઝેર વગરનો સાચો નાગ બીજી દોણીમાં મુકી માટલા બદલાવી સોનાના નાગને બદલે સાચો નાગ માટલાની દોણીમાંથી કાઢી મદારી દ્વારા નાગકઢાવી નાગ કરડી ગયાનું જણાવી તરફડીયા મારી હવે આ વ્યક્તિ મરી જશે. તેને બચાવવાની વિધિ માટે ઢોંગ કરી સાચો નાગ કેમ કાઢયો? તેમ જણાવી ભોગ બનનારની મંજૂરી માટે મદારીને સારવાર માટે રાજસ્થાન તાંક વિધિ માટે લઈ જવાનું કહી તે મરી ગયાનું જણાવી વિધિ કેન્સલ થઈ હોવાનું જણાવી પૈસા પડાવી લેવામાં આવતા હતાં.

તાલાલા પંથકના પાણી કોઠા ગામના તાંત્રિક મુસા હાજી સમાએ આપેલી કબુલાતમાં જણાવ્યું હતું કે, સોનાનો નાગ માતાજીને ચડાવી પૈસાનો ઢગલો કરી આપવાની લાલચમાં અનેક લોકોને શિશામાં ઉતાર્યા હતાં. જેમાં દોઢ વર્ષ પહેલાં કુવાડવા રાજકોટનાં દામભાઈ ડાભીને 700 કરોડ રૂપિયા ઉતારવાના નામે તેમની પાસેથી રૂ 25 લાખ અને સવા અગિયાર તોલા સોનાના નાગની મૂર્તિ પડાવી લીધી હતી. (2) 3 વર્ષ પહેલાં રાજકોટનાં રાજુ  ભાઈ પાસેથી 2500 કરોડ રૂપિયા ઉતારવાના નામે રૂ. 35 લાખને 32 તોલા સોનાના નાગની મૂર્તિ પડાવી લીધી હતી. (3) દોઢ વર્ષ પહેલાં અમદાવાદના સતીષભાઈ પટેલ અને તેમના પત્ની પાસેથી 600 કરોડ રૂપિયા ઉતારવાના નામે રૂ. સાડા સાત લાખ અને 11 તોલા સોનાના નાગની મૂર્તિ પડાવી લીધી હતી. (4) પાંચ વર્ષ પહેલા અમદાવાદના નજીકના ગામના સરપંચ પાસેથી રૂ  11લાખ અને 11 તોલા સોનાના નાગની મૂર્તિ પડાવી હતી. (5) વેરાવળના યુસુફભાઈ ઘાંચી પાસેથી તાંત્રિક વિધિનાં નામે રૂ. 11 લાખ (6) બામણસા ગીરનાં વિજય અને મહેશ આહિર પાસેથી માથા કાઢવાના બહાને રૂ  4 લાખ પડાવી લીધા હતાં.


Tags :