Gujarat

મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો

By GS TEAM
17 Aug 20252 mins read
TukuTouch Logo
મકરપુરા વિસ્તારની મહિલા પાસેથી ખંડણી ઉઘરાવી કેબિન સળગાવી દઇ તેનો નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરી દેનાર સાપ્તાહિકના પત્રકારો સામે ફરિયાદ થઇ હતી. આ કેસમાં 21 મહિનાથી વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર થતા મકરપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલાનો નગ્ન વીડિયો વાયરલ થવાની  ઘટનામાં 21 મહિનાથી નાસતો ફરતો ખંડણીના ગુનાનો આરોપી છેવટે ઝડપાયો

મકરપુરા વિસ્તારની મહિલા પાસેથી ખંડણી ઉઘરાવી કેબિન સળગાવી દઇ તેનો નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરી દેનાર સાપ્તાહિકના પત્રકારો સામે ફરિયાદ થઇ હતી. આ કેસમાં 21 મહિનાથી વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર થતા મકરપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સાપ્તાહિક ચલાવતા  કિશન ભોલારામ  રાજપૂત (રહે. આદર્શ નગર, નિઝામપુરા) સહિત ચાર આરોપીઓ સામે નવેમ્બર -2023માં ખંડણી, છેડતી અને આઇટી એક્ટ હેઠળ  ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપીઓ મારા જુગારના ધંધા પર આવી રુપિયાની માંગણી કરતા હતા. મે તેઓથી છૂટકારો મેળવવા મારા કપડાં કાઢી નાંખતા મારો નગ્ન વીડિયો આરોપીએ ઉતાર્યો હતો અને  આ વીડિયો વાયરલ કરી દીધો હતો. કિશન મને એવું કહેતો હતો કે, તારે પૈસા ના આપવા  હોય તો મારી સાથે કારમાં બેસી હોટલ પર આવવું પડશે. આ કેસમાં આરોપી  કિશન રાજપૂત પકડાયો નહતો.  કિશન રાજપૂતે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી  હતી. સરકારી વકીલ પરેશ પટેલની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ અધિક સેશન્શ જજ દ્વારા  આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. અદાલતે નોંધ્યું હતું કે, આરોપી વિરૃદ્ધ ખંડણીને લગતા અન્ય ગુનાઓ પણ દાખલ થયા છે. આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની શક્યતા નકારી શકાતી નથી. ત્યારબાદ મકરપુરા પી.આઇ.એ.એમ. ગોહિલે આરોપી કિશન રાજપૂતની  ધરપકડ કરી હતી.

ત્રણ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે 24 કલાક પણ ના રાખ્યો

આરોપી કિશન  રાજપૂત 21 મહિનાથી વોન્ટેડ હતો. તેની સામે વાડી પોલીસે સ્ટેશનમાં પણ ખંડણીના બે ગુના નોંધાયા  હતા. જે કેસમાં તેના આગોતરા મંજૂર થતા વાડી પોલીસે તેની ધરપકડ કરી જામીન  પર મુક્ત કર્યો હતો. ત્રણ ગુનામાં નાસતા  ફરતા આરોપીને પોલીસે 24 કલાક સુધી પણ રાખ્યો નહતો. જામીન પર મુક્ત કર્યા પછી પણ પોલીસે તેની સામે અટકાયતી પગલા લીધા નહતા.