કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન
ડાંગર, સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકોને નુકસાનીનું વળતર વહેલી તકે મળે તેવી ખેડૂતોની માંગણી

વડોદરા, તા.૪ વડોદરા જિલ્લાના આઠ તાલુકાના કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં કરેલા સર્વેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ વિસ્તારોમાં નુકસાન જણાયું છે.
સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાનું ખેતીવાડી ખાતાએ તારણ કાઢયું છે. કેટલાક સ્થળોએ ખેડૂતોનો રોષ પણ તંત્રએ સર્વેની કામગીરી દરમિયાન સહન કરવો પડયો હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોની મુલાકાત દરમિયાન ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના પગલે થયેલા નુકસાનનો અંદાજ મેળવી તેનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે.
વાઘોડિયા તાલુકા બાદ સાવલી તાલુકાના મુવાલ અને કમલપુરા ગામે મોટાપાયે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન થયું છે અને હવે સરકાર દ્વારા વહેલીતકે સહાય ચૂકવવી જોઇએ. કમોસમી વરસાદના પગલે વડોદરા જિલ્લામાં પણ ઊભા પાકને નુકસાનથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જેના પગલે સરકાર દ્વારા સર્વેની કામગીરી તાત્કાલિક શરૃ કરાવવામાં આવી હતી.

