Gujarat

સખાવતી-ધર્માદા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ઓટોમેટીક ૧૦ વર્ષ માટે કરી આપો

By GS TEAM
1 Sep 20252 mins read
સખાવતી-ધર્માદા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ઓટોમેટીક ૧૦ વર્ષ માટે કરી આપો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

બજેટ ૨૦૨૫માં કરવામાં આવેલા ફેરફારોને ધ્યાનમાં લઈને અગાઉ જે ચેરિટેબલ કે ધર્માદા ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન ૫ વર્ષ માટે મળ્યું હોય અને જે ટ્રસ્ટોની આવક રૃા. ૫ કરોડથી ઓછી હોય તેવા તમામ ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન રિન્યુઅલ આપોઆપ જ ૧૦ વર્ષ માટે કરી આપવું જોઈએ. તેને માટે તેમના રજિસ્ટ્રેશનની નવેસરની પ્રક્રિયા કરવાની ફરજ ન પાડવી  જોઈએ.પ્રસ્તુત પગલું લઈને કેન્દ્ર સરકાર દેશના લાખો ટ્રસ્ટોને ફરિજી અરજી કરવાની પ્રક્રિયાની જફામાં રાહત અપાવી શકશે. ૨૦૨૧ની સાલમાં જ સંખ્યાબંધ ટ્રસ્ટોને પાંચ વર્ષ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીની મુદત હવે ૩૧મી માર્ચ ૨૦૨૬ના પૂરી  થાય છે. તેને માટે રિન્યુઅલની અરજી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમા ંકરી દેવી ફરજિયાત છે. 

બીજું, ચેરિટેબલ અને ધર્માદા ટ્રસ્ટોને આવકવેરા ધારાની કલમ ૮૦ જી હેઠળ મળતા લાભના સંદર્ભમાં નવા સુધારા સાથે કરવાને પાત્ર સુધારો કરવામાં આવ્યો ન  હોવાથી ટ્રસ્ટીઓએ ૮૦-જીના રિન્યુઅલ માટે દર પાંચ વર્ષે અરજી કરવાની નોબત આવી શકે છે. તેમને આ રીતે પાંચ વર્ષે રિન્યુઅલ અરજી ન કરવી પડે તે માટે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માગણી ગુજરાત ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરની સહી સાથે સેન્ટ્રલ બોર્ડ ઓપ ડાયરેક્ટ ટેક્સિસને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ૮૦-જીની મંજૂરી પણ ૧૦ વર્ષ સુધી ફરીથી ન લેવી પડે તેવો સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.

અગાઉ એપ્રિલ ૨૦૨૧થી ચેરિટેબલ ટ્રસ્ટ કે ધર્માદા ટ્રસ્ટો માટે કરવામાં આવેલી જોગવાઈમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ અગાઉ નોંધણી-રજિસ્ટ્રેશન મેળવી ચૂકેલા ટ્રસ્ટોને અને ધર્માદા સંસ્થાઓને રિન્યુઅલ દર ૫ વર્ષે કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ફાઈનાન્સ એક્ટ ૨૦૨૫માં ફેરફાર કરીને આ ટ્રસ્ટો અને સંસ્થાઓને રજિસ્ટ્રેશનની માન્યતાનો ગાળો ૫ વર્ષથી વધારીને દસ વર્ષનો કરી દેવામાં આવ્યો છે. તેને કારણે પાંચ કરોડથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ચેરિટેબલ ટ્રસ્ટો અને ધર્માદા સંસ્થાઓને ખાસ્સી રાહત પણ મળશે. પરંતુ તેમાં ઉપર જણાવ્યા મુજબ આપોઆપ જ રજિસ્ટ્રેશનની મુદત ૧૦ વર્ષની કરી આપવામાં આવે તો મોટી રાહત થવાની સંભાવના છે. 

બીજું, દસ વર્ષના ગાળા માટે રજિસ્ટ્રેશન આપે અને વચગાળામાં તે ટ્રસ્ટની આવક રૃા. ૫ કરોડથી વધી જાય તો તેવા સંજોગોમાં શું કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. પહેલી એપ્રિલ ૨૦૨૫ પહેલા જેમને ૫ વર્ષની મંજૂરી આપવામાં આવી છે તેમની દસ વર્ષ માટે મંજૂરી આપી દેવામાં આવસે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા થવી જરુરી ચે. આ અંગે સીબીડીટી ફોડ પાડે તેવો આગ્રહ પણ રાખવામાં આવી રહ્યો છે.

નાનામાં નાના ટ્રસ્ટોને હિસાબ રાખવાને મુદ્દે આકરી જોગવાઈઓને કારણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ જોગવાઈને હળવી કરવા માટે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો ચે. તેમને આઈટીઆર -૭માં એકાઉન્ટ, ઓડિટ રિપોર્ટની વિગતો મૂકવી પડી રહી છે.