Get The App

ખાડી યુધ્ધના કારણે વડોદરા અને આસપાસના 2000 કરતા વધુ ઉદ્યોગોની નિકાસને ફટકો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ખાડી યુધ્ધના કારણે વડોદરા અને આસપાસના 2000 કરતા વધુ ઉદ્યોગોની નિકાસને ફટકો 1 - image

વડોદરાઃ ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલે છેડેલા જંગ બાદ વડોદરા અને તેની આસપાસના ૨૦૦૦થી વધારે ઉદ્યોગોની નિકાસને ફટકો વાગ્યો છે અને આ ઉદ્યોગો માટે ભારે અનિશ્ચિતતાભરી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઔદ્યોગિક સૂત્રોના કહેવા પ્રમાણે વડોદરાના ઉદ્યોગો ખાડીના દેશોને દવાઓ, કેમિકલ, ઓટો પાર્ટસ, એન્જિનિયરિંગ પ્રોડકટસ તથા ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટની મોટાપાયે નિકાસ કરે છે.આ નિકાસ પર યુધ્ધના કારણે બ્રેક વાગી ગઈ છે.એટલું જ નહીં વડોદરાના ઉદ્યોગોના સેંકડ કન્ટેનર કાંતો હજીરા પોર્ટ પર અથવા તો દુબઈના જેબેલ અલી પોર્ટ કે પછી અન્ય કોઈ પોર્ટ પર અટવાયેલા છે.નવા ઓર્ડર તો યુધ્ધ ખતમ ના થાય ત્યાં સુધી મળવાનો કે પૂરા કરવાનો સવાલ જ થતો નથી.દુબઈ સુધી કન્ટેનર પહોંચવામાં એકાદ સપ્તાહનો સમય લાગતો હોય છે પણ યુધ્ધના કારણે કેટલાક ઉદ્યોગોના કન્ટેનર પહોંચ્યા નથી.યુરોપના દેશોમાં નિકાસ માટે પણ શિપિંગ કંપનીઓ ગલ્ફના હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ રુટનો ઉપયોગ કરે છે.વેપારી જહાજો પર હુમલાના ડરથી આ રુટનો પણ ઉપયોગ શિપિંગ કંપનીઓ કરી નહીં રહી હોવાથી યુરોપના દેશોની નિકાસ પર પણ અસર પડી છે.

નંદેસરીના ઉદ્યોગો માટે મુશ્કેલી, ગેસનો ભાવ રાતોરાત બમણો

શહેરની નંદેસરી જીઆઈડીસીના મોટાભાગના ઉદ્યોગો પાઈપ લાઈન ગેસનો ઉપયોગ કરે છે અને તેમના માટે વર્તમાન યુધ્ધે મુસિબત સર્જી છે.નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ બાબુભાઈનું કહેવું છે કે, ઉદ્યોગોને વડોદરા કોર્પોરેશન સાથે સંલગ્ન વડોદરા ગેસ કંપની ગેસ પૂરો પાડે છે તો બીજા ઉદ્યોગો અદાણી ગેસ કંપની પાસેથી ગેસ લે છે.કોર્પોરેશને તો જ્યાં સુધી સપ્લાય હશે ત્યાં સુધી ગેસ પૂરો પાડવાનો વાયદો કર્યો છે પણ અદાણી ગેસ દ્વારા  ૪૦ ટકા વપરાશ બાદ થનારા વપરાશ પર બમણો ભાવ વસૂલવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

શિપિંગ કંપનીઓને વીમો મળે તેમ નથી

શિપિંગ કંપનીઓને અત્યારની પરિસ્થિતિમાં જો કોઈ નુકસાન થાય તો વીમા કંપનીઓએ ઈન્સ્યોરન્સ ક્લેઈમ સ્વીકારવાનો  ઈનકાર કરી દીધો છે અને તેના કારણે ખાડી દેશોના રુટ પર શિપિંગ કંપનીઓ જહાજો લઈ જવાનો ઈનકાર કરી રહી છે.કંપનીઓએ જહાજો નજીકના બંદર પર પાર્ક કરી દીધા છે.જ્યાંથી તેઓ ખરીદનારાઓને કન્ટેનર લઈ જવાનું કહી રહ્યા છે.જે અશક્ય છે.

ઓપાલ દ્વારા ઉદ્યોગોને સપ્લાય થતા મટિરિયલ પર પણ અસર 

ઓએનજીસીની જ કંપની ઓએનજીસી પેટ્રોલ એડિશન્સ લિમિટેડ  દ્વારા પણ ઉદ્યોગોને પરિપત્ર પાઠવીને જણાવાયું છે કે, મિડલ ઈસ્ટ રિજનની વર્તમાન સ્થિતિના કારણે ગેસનો પૂરવઠો ખોરવાયો છે.જેના પગલે દહેજ સ્થિત ક્રેકર પ્લાન્ટ પરનો લોડ ખાસો ઘટી ગયો છે. ૅજેેથી આ પ્લાન્ટમાંથી બીજા પોલીમર્સ અને કેમિકલ પ્લાન્ટસને મટિરિયલ અને બીજી પ્રોડકટસના પૂરવઠા પર અસર થવાની શક્યતા છે.

પોર્ટ પડી રહેલા કન્ટેનરોનું ભાડું ચઢી રહ્યુ છે

ઉદ્યોગો જગતના સૂત્રોના કહેવા પ્રમાણે નિકાસ પર બ્રેક વાગી છે તો બીજી તરફ પોર્ટ પર કન્ટેનરો પડી રહ્યા હોવાથી કન્ટેનરોની સાથે સાથે પોર્ટનું પણ ભાડું ચૂકવવું પડી રહ્યું છે.સરકારને ૧૮ ટકા જીએસટી આપવાનો તે તો અલગ.મોટાભાગના ઉદ્યોગો કન્ટેનરને પહોંચતા જેટલો સમય લાગે તેટલા દિવસનો વીમો લેતા હોય છે.કન્ટેનરો અટવાયા હોવાથી વીમાની મુદત પૂરી થઈ ગઈ છે અને હવે ઉદ્યોગોને નવેસરથી વીમો લેવાનો વારો આવશે.આમ ઉદ્યોગોને બેવડો ફટકો પડી રહ્યો છે.

કેમિકલ પ્રોડ્કટસના રો મટિરિયલના ભાવમાં વધારો

કેમિકલ બનાવીને વિદેશમાં આયાત કરતા કેટલાક ઉદ્યોગો કેમિકલનું રો મટિરિયલ અન્ય દેશોમાંથી અને ખાસ કરીને ચીનથી આયાત કરે છે.યુધ્ધના કારણે આ રો મટિરિયલના ભાવમાં પણ ભારે વધ-ઘટ જોવા મળી રહી છે અને કંપનીઓ માટે અગાઉથી નક્કી કરેલા ભાવે કેમિકલ પ્રોડક્ટસ સપ્લાય કરવી મુશ્કેલ બની ગઈ છે.ઘણી કંપનીઓએ જૂના ભાવથી નિકાસનો ઈનકાર કરી દીધો છે.