Gujarat

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ

By GS TEAM
21 Feb 20261 min read
વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ

વડોદરાઃ વડોદરામાં આજે સવારે અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવતાં  દોડધામ મચી ગઇ હતી.તપાસને અંતે વિસ્ફોટક જેવો પદાર્થ લગ્નમાં વપરાતા ફટાકડા હોવાનું ખૂલતાં તંત્રએ હાશ અનુભવી હતી.સ્કૂલો અને કોર્ટમાં ધમકીના મેઇલ મોકલી તંત્રને દોડતું કર્યા બાદ રેલવે પોલીસને દોડતી કરનારને પોલીસ શોધી રહી છે.

અનગઢ નવાપુરા રેલવેના ગુડ્સ ટ્રેક પર આજે સવારે આઠેક વાગે મુસ્તાકભાઇ નામના કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા ટ્રેક પાસે  જોવા મળતાં તેમણે તરત જ આરપીએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.થોડી જ વારમાં રેલવે પોલીસ આવી ગઇ હતી અને વડોદરા શહેર પોલીસને પણ જાણ કરી હતી.

ડીસીપી,એસીપી અને નંદેસરી પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ટ્રેક પાસે આવી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.

પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત વિસ્ફોટક લગ્ન પ્રસંગે વપરાતા ફટાકડા હોવાનું અને તેના પર કોલ્ડ ફાયર પણ લખેલું હોવાનું જણાઇ આવતાં તંત્રએ હાશ અનુભવી હતી.આમ છતાં ફટાકડા એક સાથે બાંધીને મુકવા પાછળનું કૃત્ય આચરનાર કોણ છે અને આ પદાર્થ કેટલો જોખમી હતો તેની નંદેસરી પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.