Gujarat

રોડ રીસરફેસ કરવા દસ કરોડથી વધુના કોન્ટ્રાકટ છતાં ગોદરેજ ગાર્ડન સિટી હોય કે નિકોલ રોડ ઉપરના ખાડા હજુ પુરાયા નથી

By GS TEAM
15 Jul 20252 mins read
રોડ રીસરફેસ કરવા દસ કરોડથી વધુના કોન્ટ્રાકટ છતાં ગોદરેજ ગાર્ડન સિટી હોય કે નિકોલ રોડ ઉપરના ખાડા હજુ પુરાયા નથી

અમદાવાદ,સોમવાર,14 જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષમાં જુદા જુદા રસ્તા રીસરફેસ કરવા રુપિયા દસ કરોડનો કોન્ટ્રાકટ કોન્ટ્રાકટરોને અપાયો છે.આમ છતાં ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર હોય કે નિકોલ રોડ ઉપરના ખાડા હજુ સુધી પુરાયા નથી. ચાંદલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર ભરત પટેલના ઘરની પાસે જ રોડ ઉપર ખાડા પડેલા છે.બે દિવસ પહેલા નિકોલ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરવા ગયેલા મ્યુનિસિપલ હોદ્દેદારોનો લોકોએ હુરીયો બોલાવ્યો હતો.આ ઘટના પછી પણ કોર્પોરેશનના અધિકારીઓએ રોડ ઉપરના ખાડા તાકીદે પુરવા અંગે કોઈ ઉત્સાહ બતાવ્યો નથી.

અમદાવાદમાં રહેતા લોકો દર વર્ષે રુપિયા ૧૭૦૦ કરોડ જેટલો પ્રોપર્ટી ટેકસ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવતા હોય છે. શહેરમાં વરસાદ બંધ થયા પછી યુધ્ધના ધોરણે રોડ ઉપર પડેલા ખાડા પુરવાના દાવા અધિકારીઓ અને શાસકપક્ષ તરફથી કરાઈ રહયા છે.કરવામા આવી રહેલા દાવા છતાં પરિસ્થિતિ સાવ અલગ જ નજરે પડે છે.અનેક જગ્યાએ ઉબડખાબડ રસ્તા ઉપરથી પસાર થતા લોકો અને વાહનચાલકો ત્રાહીમામ બની ગયા છે.ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં ઉમાભવાની સોસાયટીની બહાર ચાંદલોડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટરના ઘરની બહાર અને  અસારવા વિસ્તારમાં ભાજપના ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયની સામે આવેલ સિવિલ હોસ્પિટલના ડોકટર કવાટર્સના ગેટની બહાર જ ખાડા પડેલા છે.ચાંદલોડીયા વિસ્તારમાં વંદેમાતરમથી ઉમા શરણમ ફલેટ તરફ જવાના રોડ ઉપર અનેક ખાડા પડેલા છે.રાણીપ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રાણીપ વોર્ડની સબ ઝોનલ ઓફિસ બહાર રોડ ઉપર ખાડા પડેલા છે.ગાયત્રી વિદ્યાલય તરફનો આખો રોડ ખરાબ હાલતમાં છે.

નિકોલ વોર્ડમાં રોડની સૌથી વધુ ખરાબ હાલત

નિકોલ વોર્ડમાં આવેલા ગોપાલ ચોક, ઉમા વિદ્યાલય રોડ, બહુચર ચોક, નિકોલગામ રોડ અને પંચમ મોલ પાસે આવેલા રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડેલા છે.વિરાટનગર ચાર રસ્તા પાસે પૂર્વ ઝોનની ઓફિસ બહારના ચાર રસ્તા પાસે બી.આર.ટી.એસ.રોડ ઉપર ખાડા પડેલા છ. વસ્ત્રાલ ગામ અને મેટ્રો સ્ટેશન આસપાસના ભાગમાં તથા રીંગરોડના સર્વિસ રોડ ઉપર પણ અનેક ખાડા હજુ સુધી પુરાયા નથી.