એક્ઝિટ પોલ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત
ચૂંટણી પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણો શરૂ
ગુજરાતની 180 બેઠકોમાંથી કયો પક્ષ કેટલી બેઠકો જીતશે, તે અંગે એક્ઝિટ પોલ શરૂ
અમદાવાદ, તા.5 ડિસેમ્બર-2022, સોમવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામો પહેલાની ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના સર્વે જાહેર થવાના શરૂ થયા છે. 182 વિધાનસભા બેઠકમાંથી કોને કેટલી સીટો મળશે તે અંગેના એક્ઝિટ પોલના સર્વે સામે આવ્યા છે. ગુજરાતમાં કોણ જીતશે કમળ, પંજો કે આપ ? તેની ચર્ચા ચોમેર થવા લાગી છે. શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતમાં કોની સરકાર બનશે? ત્યારે જોઈએ એક્ઝિટ પોલના સર્વે મુજબ કયા પક્ષને કેટલી બેઠકો મળવાની સંભાવના છે.
સ્ત્રોત |
ભાજપ |
કોંગ્રેસ |
આપ |
અપક્ષ |
TV9 ભારતવર્ષ |
125થી 130 |
40થી 50 |
3થી 5 |
07 |
ન્યૂઝ 18 |
132 |
38 |
07 |
05 |
આર. ભારત |
128-148 |
30-42 |
02-10 |
03 |
ABP CSBS |
125-130 |
40-50 |
3-5 |
3-4 |
જન કી બાત |
117-140 |
34-51 |
06-13 |
01-02 |
ઈન્ડિયા TV મેટ્રીઝ |
109-124 |
51-66 |
07 |
01 |
ટાઈમ્સ નાઉ |
131 |
41 |
06 |
04 |
ઈન્ડિયા ટુડે એક્સિસ |
131-151 |
16-30 |
9-21 |
00 |
ચૂંટણીનું 8મી ડિસેમ્બરે પરિણામ
ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે તમામ 182 બેઠકો પરનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 92 બેઠકો જીતવી જરૂરી છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 62.89 મતદાન થયું છે. જ્યારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયું છે. બીજા તબક્કા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના સુખરામ રાઠવા, જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા તેમજ ભીમાભાઇ ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ માટે મતદાન થયું હતો. તો પ્રથમ તબક્કાના કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયાનો સમાવેશ થાય છે.
2017માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું
2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 150 બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અનેક પાટીદાર, દલિત, ઠાકોર સમાજના સહિતના આંદોલનની અસરને લઈને આ ભાજપનું અનુમાન રગદોળાયું હતું અને આખરે ભાજપને 99 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસ 22 વર્ષથી (તે સમયે) સત્તાથી દૂર રહીને સત્તા હાસલ કરવાની મનસા સાથે જીતની દાવેદારી નોંધાવી રહી હતી. પરંતુ આખરે તેમને પણ 77 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસને 22 વર્ષ બાદ પણ ફરીથી સત્તાનું સપનું, સપનું જ રહ્યું. જોકે, 2017ની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 બે બેઠક, જગ્નેશ મેવાણી સહિત 3 અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. આ સાથે, કુતિયાણાથી લડતા NCPના ઉમેદવાર કાંધલ જાડેજાને પણ જીત મળી હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2017માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું.
લાંબા સમયથી ગુજરાતમાં જીતની રાહમાં કોંગ્રેસ
ગુજરાતમાં 1962, 1967 અને 1972માં કોંગ્રેસે પ્રથમ ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1975માં કટોકટી લાદવામાં આવ્યા બાદ લડવામાં આવેલી ચૂંટણીઓમાં, કોંગ્રેસનો મોરારજી દેસાઈની આગેવાની હેઠળના પક્ષોના ગઠબંધન, જનસંઘ અને બળવાખોર કોંગ્રેસી નેતા ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન મઝદૂર પાર્ટી દ્વારા પરાજય થયો હતો. ત્યારબાદ 1980 અને 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. 1990ની ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ મજબૂત તાકાત તરીકે ઉભરી આવ્યા હતા. 1995 પછી યોજાયેલી તમામ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.