Gujarat

ટીચિંગ-નોન ટીચિંગમાં ખાલી પડેલી 180 જગ્યાઓ ભરવા કવાયત શરૂ

By GS TEAM
26 Jun 20252 mins read
ટીચિંગ-નોન ટીચિંગમાં ખાલી પડેલી 180 જગ્યાઓ ભરવા કવાયત શરૂ

- મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના મેન પાવર વધારવા

- રોસ્ટર પ્રમાણિત કરવાથી લઈ ભરતીના નિયમો બનાવવાની કામગીરી શરૂ કરાઇ

ભાવનગર : મ.કૃ.ભાવ. યુનિ.માં કાયમી કુલપતિની નિમણૂક થતાં તંત્રએ આળસ મરડી છે સાથે જ યુનિ.માં કાર્યરત સાત વિદ્યાશાખામાં ખાલી પડેલી અધ્યાપકો-પ્રાધ્યાપકો સહિત વહિવટી સ્ટાફની ખાલી જગ્યા ભરવા ક્વાયત શરૂ કરી છે.આગામી ટૂંકસમયમાં બન્નેની મળી ૧૮૦ જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. 

યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં મંજૂર ૭૩ના મહેકમ સામે ક્યાંક એક તો ક્યાંક બે અધ્યાપકોથી કામ ચલાવાઇ રહ્યું છે.જ્યારે કોલેજોમાં પણ ટીચિંગ સ્ટાફની ઘણી જગ્યા ખાલી રહેતા વિઝીટિંગ ફેકલ્ટીથી અભ્યાસ કાર્ય કરાવનું પડે તેવી સ્થિતિ છે, જયારે મંજૂર મહેકમમાં વધારો કરવાની વિચારણાં ચાલી રહી છે. આવી જ સ્થિતિ નોન ટીચિંગ (વહીવટી) વિભાગમાં પણ છે.નવા એક્ટ પ્રમાણે નવી કેટલીક જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. જેમાં નોન ટીચિંગની ૮૦ જેટલી જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાના કારણે કામગીરીને અસર થતી હોવાથી યુનિ.એ બન્નેની મળી અંદાજે ૧૮૦ જેટલી જગ્યા ભરવા તૈયારીઓ આરંભી છે. જે માટે રોસ્ટર પ્રમાણિત કરવાથી લઈ ભરતીના નિયમો અને માર્ગદર્શિકા બનાવવાની કામગીરી પણ શરૂ કરાઇ છે. ઉપરાંત, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પરીક્ષા નિયામક, એકાઉન્ટ ઓફિસર સહિતની અધિકારી વર્ગની ખાલી અક-અક મળી કુલ છ જગ્યા પણ હાલ ખાલી છે. તેની પણ સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે. જો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો યુનિવર્સિટીના ભવનો, કોલેજોને પણ નવી ઉર્જા મળશે.

યુનિ.ના ઓર્ડિનન્સ બનાવવાની કામગીરી 90 ટકા પૂર્ણ

કોમન એક્ટ લાગુ થયા બાદ ચોક્કસ નીતિ વિષયક બાબતોમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે ઓર્ડિનન્સની જરૂર રહેતી હોય છે જેમાં એક્ટ સિવાયના નિયમો ઘડવા અને તેના અમલીકરણની જોગવાઇ હોય છે. કોમન ઓર્ડિનન્સના મુદ્દાની સાથોસાથ યુનિવર્સિટી કક્ષાએ પણ જરૂરી નિયમોનું અમલીકરણ કરવાના રહેતા હોય સુધારા-વધારા સાથેનું ઓર્ડિનન્સ બનાવવાની કામગીરી ૯૦ ટકા પૂર્ણ થઈ છે. ૧૦૦ ટકા પૂર્ણ થયે મંજૂરી અર્થે મોકલી સૈદ્ધાંતિક મંજૂરી બાદ લાગુ કરાશે.