કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને હેમખેમ વતન પરત લાવવાની કવાયત શરુ, સરકારે મંગાવી યાદી
Gujarat tourist List: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ગુજરાતના કેટલાક પ્રવાસીઓ ફસાયેલા છે, તેમને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરુ કરી છે. સરકારે તમામ જિલ્લામાંથી કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મંગાવી છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ પણ વાંચો: 2006ના આતંકી હુમલામાં સુરતનો શિવાંગ બન્યો હતો ભોગ, હજુ પોતાના પગે ચાલી નથી શકતો
કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક શરુ
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરુ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર 079-23251900 અને મોબાઇલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
કંટ્રોલ રૂમ નં. - 01954 – 294439 તેમજ આ મોબાઇલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.
મૃતકોના પરિજનોને સહાય જાહેર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારજનો માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઈજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000ની સહાય કરશે.
આ પણ વાંચો: 'કાશ્મીર નહીં પણ સરકાર-સિક્યોરિટી સામે વાંધો...', આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા
પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત થયું હતું. ત્યારે આજે (24મી એપ્રિલ) મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રની અંતિમ યાત્રા એકસાથે નીકળતાં સમગ્ર શહેરના લોકો હિબકે ચઢ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો.
ઉલ્લેખનીય છે કે મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલે પણ હાજરી આપી હતી અને મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથિયાની પત્નીની વ્યથા
આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા સુરતના શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ બુધવારે (23મી એપ્રિલ) સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હૉસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે હૉસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાંની સાથે જ પરિવારજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. આજે (24મી અપ્રિલ) સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન મૃતક શૈલેશભાઈના પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, 'કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી.' આતંકીઓ હુમલો કરવા આવ્યા ત્યારે મુસ્લિમોને કંઈ ન કર્યું અને જેટલા હિન્દુ હતા એમને અલગ ઊભા કરીને બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો રહ્યો હતો આતંકી. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીર સામે કંઈ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. એવી જગ્યા કે જ્યાં આટલા ટુરિસ્ટ હતા તેમ છતાં પણ કોઈ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખી ફરવા ગયા હતા અને હવે એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. જો હવે આપણા દેશની જ આર્મી આવું બોલશે તો પછી જવાબદારી કોણ લેશે?