Get The App

રાજ્યમાં જવલનશીલ કેમીકલનાં ધમધમતા કારખાનાઓને ફાયર NOCમાંથી મુક્તિ

Updated: Nov 12th, 2024

GS TEAM

Google News
Google News
રાજ્યમાં જવલનશીલ કેમીકલનાં ધમધમતા કારખાનાઓને ફાયર NOCમાંથી મુક્તિ 1 - image

ગમે ત્યારે આગ લાગે તેવી ભયજનક સ્થિતિમાં વધતું જતું જોખમ : કારખાના એક્ટ હેઠળ નોંધાયેલા એકમોમાં ઇન્સ્પેકશન સહિતની જવાબદારીનો સરકારીબાબુઓ દ્વારા થતો ઉલાળિયોઃ કેમિકલની સ્ટોર મર્યાદાનો થતો છડેચોક ભંગ

રાજકોટ, : વડોદરાની ગુજરાત રીફાઇનરીમાં આગની ઘટનામાં બે કામદારોનાં મૃત્યુ પછી જોખમી કેમીકલ વાપરતા કારખાનાઓની ઉતરોતર વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે. રાજ્યમાં વડોદરા ઉપરાંત વાપી, ભરૂચ, વટવા, અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં આવેલા કારખાનાઓમાં વપરાતા ટોક્સીક ગેસ, રી-એક્ટીવ કેમીકલ જવલનશીલ કેમીકલ અને ઝેરી કેમીકલને લીધે ગમે ત્યારે આગ ફાટી નીકળે તેવી સંભાવના હોવા છતાં આ પ્રકારનાં કારખાનાઓને ફાયર  એનઓસીમાંથી મુકિત આપવામાં આવી હોવાથી નિર્દોષ લોકો ઉપર જોખમ ઝળુંબતું રહે છે.

રાજ્યમાં ઔદ્યોગિકરણને લીધે વિવિધ કેમીકલ કારખાનાઓ વધી રહ્યા છે. ગુજરાત કારખાના નિયમો, ૧૯૬૩ના નિયમ ૧૦૨ની અનુસૂચિ-૧૯ના ભાગ-૧૨ના પેરા-૯ (૪)માં જોગવાઇ કરવામાં આવેલી છે કે કોઇપણ કારખાનામાં એકદમ સળગી ઉઠે તેવા અથવા ધડાકો કરે એવા કેમીકલો બે મહિનાના ઉપયોગ માટે જરૂરી જથ્થાની મર્યાદામાં જ સ્ટોર કરી શકાય. તેનાથી વધારે જથ્થામાં સ્ટોર કરવા હોય તો ચીફ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની પરવાનગી લેવાની થાય છે.

રાજ્યના અનેક કારખાનાઓમાં આ નિયમનું પાલન થતું નથી. માલીકો જરૂર કરતાં વધુ પ્રમાણમાં આવા જોખમી કેમીકલો સ્ટોર કરી જાહેર સુરક્ષા જોખમાવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી બધી ગેરરીતિ ચલાવી લે છે. છેલ્લા 10 વર્ષમાં એક પણ કારખાનાએ જરૂર કરતાં વધારે કેમીકલ સ્ટોર કરવા માટેની પરવાનગી માગેલી નથી. ગુજરાત રીફાઇનરીમાં બે મહિનામાં કેટલું બેન્ઝીન વપરાય છે અને કેટલું બેન્ઝીન સ્ટોર કરેલું હતું તે તપાસ કરવામાં આવે તો ઘણા તથ્યો બહાર આવે તેમ છે. એ જ રીતે તા. 9 જુલાઇ- 2021ના પરીપત્રથી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા કારખાનાને ફાયર એનઓસીમાંથી મુક્તિ આપવામાં આવતા જોખમનું પ્રમાણ વધતું રહ્યું છે.

રાજ્યમાં અનેક કેમીકલ કારખાનાઓ આવેલા છે. આવા કારખાનાઓમાં મોટી હોનારત થાય તો વહીવટી તંત્રએ કેવી રીતે કામ કરવું તે માટે ધી કેમીકલ એકસીડન્ટસ (ઇમરજન્સી પ્લાનીંગ, પ્રીપેર્ડનેસ એન્ડ રીસ્પોન્સ) રૂલ્સ, 1996ની જોગવાઇ મુજબ જીલ્લામાં લોકલ ક્રાઇસીસ ગ્રુપ અને ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગુ્રપની રચના કરવાની હોય છે. નિયમ મુજબ લોકલ ક્રાઇસીસ ગુ્રપની મીટીંગ દર મહિને, ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની મીટીંગ દર 45 દિવસે યોજવાની હોય છે. પરંતુ તંત્ર પાસે આવી જાહેર સુરક્ષાની બાબતે મીટીંગ યોજવાનો સમય પણ નથી. રાજ્યના જિલ્લાઓમાં આવી મીટીંગ નિયત સમયગાળામાં યોજાતી નથી. તંત્રને ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે ચર્ચાવિચારણા કરવા મીટીંગ કરવાનો પણ સમય નથી. પરિણામે કેમીકલનાં કારખાનાઓ વધુ જોખમી બની રહ્યા છે.