Get The App

વિકાસના નામે ધૂળનો ધુમાડો : વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
વિકાસના નામે ધૂળનો ધુમાડો : વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી 1 - image

image : Filephoto 

Vadodara Corporation : વડોદરા શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માર્ગ, ડ્રેનેજ, પાણીની લાઈનો તથા અન્ય વિકાસ કાર્યો જોરશોરથી ચાલી રહ્યા છે. પરંતુ આ વિકાસ સાથે શહેરના ચારે ખૂણે ખોદકામના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉપરથી અનેક બાંધકામ સાઈટો પર નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતાં રસ્તાઓ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરિણામે શહેરવાસીઓ માટે વિકાસ દેખાડાનો દીવો અને તળિયે અંધારું સાબિત થઈ રહ્યો છે. 

નિયમ મુજબ ખોદકામ સમયે પાણી છાંટવું, બાંધકામ સાઈટોને કવર કરવી, ટ્રકમાંથી સામગ્રી ઢાંકીને લઈ જવી અને માર્ગ પર માટી ન ફેલાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી ફરજિયાત છે. છતાં હકીકતમાં મોટાભાગની સાઈટો પર આ નિયમો માત્ર ફાઈલોમાં જ સીમિત છે. રસ્તા પર દોડતા વાહનો સાથે ધૂળ ઉડીને હવામાં ફેલાઈ રહી છે, જેના કારણે આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દમના દર્દીઓ માટે સ્થિતિ આગમાં ઘી હોમ્યા જેવી બની છે.

નાગરિકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા ક્યારેક ક્યારેક દંડની કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે. નિયમોનું કડક અમલ અને સતત દેખરેખના અભાવે સ્થિતિ ફરી જૂની જ રહે છે. એક તરફ પર્યાવરણ સુરક્ષા અંગે ભાષણો અને અભિયાન થાય છે, જ્યારે બીજી તરફ શહેરમાં ધૂળનું પ્રમાણ વધતું જાય છે. 

પર્યાવરણ નિષ્ણાતો જણાવે છે કે, લાંબા સમય સુધી ધૂળનું પ્રદૂષણ શ્વસન રોગો, હૃદયની સમસ્યાઓ અને શહેરની હરિયાળી પર ગંભીર અસર કરે છે. તેથી તંત્રએ માત્ર નોટિસ અને દંડ પૂરતું નહીં, પરંતુ બાંધકામ સાઈટો પર નિયમિત તપાસ, સતત પાણી છાંટવાની વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની જરૂર છે. નહીંતર આજે અવગણના તો કાલે આફત જેવી સ્થિતિ સર્જાય તે નક્કી છે.

સુભાનપુરામાં AQI 306, મંગળ બજારમાં PMનું જોખમી સ્તર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) મુજબ આજે સુભાનપુરા વિસ્તારમાં AQI 306 નોંધાયો છે, જે 301થી 400 વચ્ચે આવતાં તેને વધુ જોખમી શ્રેણીમાં ગણવામાં આવે છે. તે જ રીતે, શહેરના વ્યસ્ત મંગળ બજાર વિસ્તારમાં AQI 266 સુધી પહોંચ્યો છે. 201થી 300 વચ્ચેનો AQI જોખમી માનવામાં આવે છે. 

એર ક્વોલિટી રિપોર્ટ મુજબ, મંગળ બજારમાં PM10નું સ્તર 231.99 અને PM2.5નું સ્તર 110.47 નોંધાયું છે. આ બંને આંકડા જોખમી શ્રેણીમાં આવે છે. 

વિકાસના નામે ધૂળનો ધુમાડો : વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી 2 - image

પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન શરૂ થવામાં વિલંબ

વડોદરા શહેરમાં પ્રથમવાર કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત હવાની ગુણવત્તાની સતત દેખરેખ રાખવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ વિસ્તારમાં સ્થિત સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્ટેશન ચોવીસ કલાક કાર્યરત રહી PM10, PM2.5, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ સહિતના પ્રદૂષક તત્વોની રિયલ ટાઇમ માહિતી આપશે. આ ડેટાના આધારે હવાના પ્રદૂષણના સ્ત્રોત ઓળખી યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને મદદ મળશે.

જો કે, સ્ટેશન સ્થાપિત થઈ ગયું હોવા છતાં હજી સુધી તે સંપૂર્ણપણે કાર્યરત ન બનતાં વિલંબ સામે આવી રહ્યો છે. 

ઉદ્યોગો અને વાહનોના વધારા વચ્ચે વડોદરાની હવા બગડી, ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં દુર્ગંધથી લોકો ત્રસ્ત

વડોદરા શહેરની આસપાસમાં આવેલાં ઉદ્યોગો અને સતત વધતી જતી વાહનોની સંખ્યાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અવારનવાર તીવ્ર દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે કેટલાક ઉદ્યોગોમાંથી છોડાતી ગંધ અને રસ્તાઓ પર વધેલા વાહનોના ધુમાડાથી વાતાવરણ અસહ્ય બની જાય છે. તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવાતા ન હોવાનું નાગરિકોમાં અસંતોષ છે. ક્યારેક નોટિસ અને તપાસની વાત થાય છે, પરંતુ પરિણામ દેખાતું નથી. નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં હવા પ્રદૂષણના સ્ત્રોતો પર કડક નિયંત્રણ લાવવામાં ન આવતાં પર્યાવરણ દૂષણ વધતું જઈ રહ્યું છે.