સુરતની વિદ્યાદીપ કૉલેજનો છબરડો, બીજી એપ્રિલે લેવાની પરીક્ષા 27મી માર્ચે લઈ લીધી
Vidyadeep College in Surat: સુરત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા બીએસસી માઇક્રોબાયોલૉજી સેમ-6ની પરીક્ષા 27મી માર્ચના બદલે બીજી એપ્રિલે લેવાની હતી. પરંતુ અણીતા ગામ નજીક આવેલી વિદ્યાદીપ કૉલેજના સંચાલકોએ છબરડો વાળીને 27મી માર્ચે જ પરીક્ષા લઈ લીધી હતી. આ છબરડો યુનિવર્સિટીના ધ્યાને આવતાં ફરીથી 19મી એપ્રિલના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન 27મી માર્ચે સેન્ટ્રલ એલીજીબલ ટેસ્ટની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ એવી માંગ કરી હતી કે, 27મી માર્ચની પરીક્ષાની તારીખ લંબાવી આપવામાં આવે. વિદ્યાર્થીઓની માંગના પગલે યુનિવર્સિટીએ પરીક્ષા લંબાવીને બીજી એપ્રિલ કરી દીધી હતી. અંગે સત્તાવાર યુનિવર્સિટીની વેબસાઇટ પર પરિપત્ર પણ કરાયો હતો. આ પરિપત્ર છતાં અણીતાની વિદ્યાદીપ કૉલેજના સંચાલકોએ બીએસસી માઇક્રોબાયોલૉજી સેમ-6ની પરીક્ષા બીજી એપ્રિલના બદલે 27મી માર્ચે જ લઈને ભારે છબરડો વાળ્યો હતો.
આ પણ વાંચો: હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત
આ છબરડા અંગે તાજેતરમાં જ નર્મદ યુનિવર્સિટીના ધ્યાને આ વાત આવી હતી. આ અંગે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડાના જણાવ્યા અનુસાર, કૉલેજના છબરડાના કારણે બીએસસી માઇક્રોબાયોલૉજી સેમ-6ની પરીક્ષા ફરીવાર લેવાશે. આગામી 19મી એપ્રિલે તમામ કૉલેજોમાં આ પરીક્ષા લેવાશે.