વડોદરાની ચોંકાવનારી ઘટના, પૂર્વ ધારાસભ્યના પૌત્રએ બળાત્કાર બાદ યુવતીને ગર્ભપાત કરાવ્યો
Aniruddha Gohil Vadodara: ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ તાજેતરમાં વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા આગેવાનના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. નંદેસરીના રહીશ અને વડોદરા તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધ ગોહિલે પીડિતાનો ધરાર ગર્ભપાત કરાવી અપમાનિત કરતાં શબ્દો ઉચ્ચાર્યાની ફરિયાદ થઈ છે. રાજકીય વગદાર આરોપી અનિરૂદ્ધ ગોહિલ પલાયન થઈ ગયો છે.
માર મારનાર આરોપી અનિરૂદ્ધ ગોહિલ પલાયન
નંદેસરી વિસ્તારમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધ ગોહિલ સાથે દોઢેક વર્ષ પહેલાં સંપર્કમાં આવેલી પીડિતા સાથે તેણે મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંઘ્યા હતા. પીડિતા ગર્ભવતી બનતાં અનિરૂદ્ધે લગ્ન કરવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ તેણે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો અને જ્ઞાતિવાચક અપમાનજનક ઉચ્ચારણો કરી પરેશાન કરી હતી. જેથી પીડિતાએ નંદેસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પીઆઇ સ્વપ્નિલ પંડ્યાએ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંઘ્યો છે. આરોપી ફરાર થઇ જતાં તેની તપાસ એસટીએસસી સેલના એસીપીને સોંપવામાં આવી છે.
બળાત્કારના કેસમાં ફરાર આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ પોતાના પરિવાર તેમજ મોસાળમાં રાજકીય પીઠબળ ધરાવે છે.તેના દાદા મંગળસિંહ ગોહિલ જનતા દળમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.જે પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા અને હાલમાં ભાજપ સાથે છે.જ્યારે,તેના પિતા રાજેન્દ્રસિંહ ભાજપમાંથી વડોદરા તાલુકા પંચાયતમાં ચૂંટાઇને ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ ત્રણ સભામાં સતત ગેરહાજર રહેતાં સભ્યપદ ગૂમાવ્યું હતું.
ત્યારબાદ તેમની ખાલી પડેલી નંદેસરી બેઠક પર ફરી પેટાચૂંટણી થતાં રાજેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. પરંતુ પરાજય થયો હતો.આવી જ રીતે અનિરૂદ્ધના મામા ગોવિંદભાઇ પરમાર ભાજપના ઉમરેઠના ધારાસભ્ય છે. પીડિતાને લગ્ન કરવાની ખાતરી આપી જબરદસ્તી ગર્ભપાત કરાવનાર અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સામે પીડિતાએ માર માર્યો હોવાનો પણ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે. પીડિતાને લગ્નની ખાતરી આપી હોવાથી તેણે પોતાના નામ પાછળ અનિરૂદ્ધનું નામ લખાવ્યું હોવાની માહિતી મળી છે. તો બીજીતરફ આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલે આગોતરા જામીન માંગ્યા છે.જે રદ કરવા માટે તપાસ અધિકારીએ કોર્ટમાં સોગંદ નામું રજૂ કર્યું હતું.
અનિરૂદ્ધના પરિવારજનો સામે મદદગારીનો પીડિતાનો આરોપ
પીડિતાએ આરોપી અનિરૂદ્ધસિંહ સામે મરજી વિરૂઘ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનો અને સમગ્ર કેસમાં આરોપીના મામા સહિતના પરિવારજનોએ મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.તેના મામાએ ગન બતાવી હોવાનો તેમજ બે મિત્રો અને સબંધી સરપંચે પણ મદદગારી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવડાવ્યું છે.
આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ અમારો ભાણેજ છે પણ વ્યવહાર નથી
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે, આરોપી અનિરૂદ્ધસિંહ ગોહિલ અમારા ભાણેજ છે પણ અમારે ઘણા સમયથી સામાજિક સંબંધ નથી. છેલ્લા બે વર્ષથી તેમની સાથે વ્યવહાર બંધ છે. તેમના આ કૃત્ય વિશે અમોને કંઈ ખબર પણ નથી.