સ્વચ્છતા માટે દેશમાં નંબર વન સુરત પાલિકાની ભાજપના નેતાએ જ ખોલી પોલ, કચરોની ફરિયાદ માટે અધિકારીઓ ફોન રિસીવ ન કર્યાની ફરિયાદ
Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરત શહેરના કેટલાક વિસ્તારમાં યોગ્ય સફાઈ થતી ન હોવાની ફરિયાદ આવી રહી છે. જોકે, આ ફરિયાદ વિપક્ષ નહી પરંતુ ભાજપના જ કેટલાક માજી કોર્પોરેટરો પાલિકાની નબળી કામગીરીની ફરિયાદ કરી રહ્યાં છે. પાલિકાના રાંદેર ઝોનમાં અનેક જગ્યાએ સફાઈની કામગીરી થતી નથી અને કચરાની ફરિયાદ કરે તો અધિકારીઓ ફોન રિસીવ ન કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરત દેશમાં પહેલા નંબર પર છે અને આગામી દિવસોમાં આ નંબર યથાવત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ-કર્મચારીઓની નબળી કામગીરીને પગલે આ સુરતના નંબર વન જોખમાઈ તેવી સ્થિતિ છે. આ પહેલા સ્વચ્છતા સર્વેક્ષણ ની કામગીરીમાં નબળો દેખાવ કરનારા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી તેમ છતાં હજી પણ કેટલાક વિસ્તારમાં સફાઇની કામગીરી યોગ્ય થઈ ન હોવાની ફરિયાદ છે.
ભાજપના માજી કોર્પોરેટરના ઉષાબેન પટેલે ફરિયાદ કરી છે તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાલનપોર વિસ્તારમાં 9 કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય આખો વિસ્તાર ફરું તો 50 થી 60 વધુ કચરાના ઢગલા હોય છે. વોર્ડ ઓફિસના જવાબદાર કર્મચારી ફિલ્ડ ફરતા નથી એવું લાગે છે. આ ગંદકીની સફાઈ માટે ફોન કરવામા આવે છે તો જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ફોન સુરત મહાનગરપાલિકાના પ્રજાના પૈસાનો છે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.