અમદાવાદ, શુક્રવાર
કુવેૈતથી દિલ્હી જતી ઇન્ડીગોની ફ્લાઇટને હાઈજેક કર્યાની તેમજ બોેમ્બથી ઉડાવી દેવાની ધમકીથી વિમાનનું અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં વિમાનની સીટ નીચેથી ટિસ્યું પેપર મળ્યો હતો. જેમાં વિમાનને હાઇજેક કરીને બોમ્બથી ઉડાવવાની ધમકી લખેલી હતી. ધમકીના પગલે વિમાનમાં ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સહિત ૧૮૬ના જીવ પડીકે બંધાયા હતા. પ્રોટોકોલ મુજબ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે વિમાનનું ચેકિંગ કરતાં કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. ધમકીની ચિઠ્ઠી ક્યાંથી આવી અને કોણે લખી તે અંગે એરપોર્ટ તંત્ર અને પોલીસ તપાસ કરે છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતારી બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે ચેકિંગ કર્યું, કંઇ વાંધાજનક મળ્યું નહી
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટ આકાશમાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ફ્લાઇટમાં વિમાનની સીટ નીચેથી ટિસ્યું પેપર મળ્યું હતું. જેમાં વિમાનને હાઇજેક કરી અને બોમ્બથી ઉડાવવાની ધમકી લખેલી હતી. જેથી પાયલોટે તુંરંત એર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક કર્યો હતો અને પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો. ધમકીના પગલે વિમાનમાં મુસાફરી કરી રહેલા ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સહિત ૧૮૬ લોેકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. નકૂમના જણાવ્યા મુજબ આજે સવારે વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીની જાણ થતાં અમદાવાદ ઇન્ટરનેશનલ વિમાન મથકે ઇન્ડીગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા પેસેન્જરોને સલામત રીતે નીચે ઉતારીને વિમાનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે તપાસ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ ન મળવાથી ફ્લાઈટને ઉડાન ભરવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું.


