અમદાવાદ, શનિવાર
અમરાઈવાડી વિસ્તારમાં હૃદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અઢી મહિનાની માસૂમ બાળકી માતાના હાથમાંથી સરકી ગઇ હતી અને પાણીની ટાંકીમાં પડી જવાથી મોત થયું હતું. આ બનાવમાં બાળકીના પિતાએ પોતાની પત્ની ઉપર બેદરકારી અને સત્ય છૂપાવવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે માતા સામે બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડી પોલીસે અઢી માસની બાળકીના મોત કેસમાં માતા સામે બેદરકારીનો ગુનો નોંધ્યો
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે ૮ વાગ્યે યુવક નોકરી પર ગયા હતા, ત્યારે ઘરે તેમની પત્ની અને બે પુત્રીઓ ઘરે હાજર હતા જ્યારે ફરિયાદી ગેસ સિલિન્ડર બુક કરાવવા ગયા હતા ત્યારે પડોશીએ તેમને ફોન કરતા ઘરે પહોંચતા જ તેમને જાણવા મળ્યું હતું કે તેમની નાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઈ છે. જેથી બાળકીને સારવાર માટે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ફરિયાદીની પત્નીના જણાવ્યા મુજબ સવારે ૧૧ વાગ્યે બાળકીને લઈને ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટર ચાલું કરવા નીચે આવી હતી તે સમયે બાળકી તેના હાથમાંથી સરકીને ખુલ્લી ટાંકીમાં પડી ગઈ હતી. ગભરાઈ ગયેલી પત્નીએ બૂમાબૂમ કરવાને બદલે ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર એલ્યુમિનિયમની તગારું ઢાંકી દીધું હતું. ફરિયાદીના કહેવા મુજબ જો તેમની પત્નીએ તાત્કાલિક પડોશીઓને જાણ કરી હોત, તો કદાચ બાળકીનો જીવ બચી ગયા હોત.


