નશામાં ચૂર આરોપીએ માથું દિવાલે ભટકાવી પોલીસ સ્ટેશન માથે લીધું
જાતે શરીરે બ્લેડ મારીને લોહી લુહાણ હાલતમાં આવી પોલીસે માર્યાનો આક્ષેપ કર્યો
રીઢા ગુનેગારે પોલીસને ચાકુના ઘા મારીને મારી નાખવાની ધમકી પણ આપી
અમદાવાદ,મંગળવાર
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં લોહી લુહાણ હાલતમાં નશામાં ચૂર રીઢો ગુનેગારે આવ્યો હતો અને પોલીસ સાથે મારા મારીને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપો કર્યા હતા અને દિવાલ સાથે માથું ભટકાવીને પોલીસ સ્ટેશનમાં માથે લીધું હતું. પોલીસ વાળાને કોર્ટમાં ઉભા કરી નોકરી ખાઇ જઇશ તથા રસ્તામાં મળો તો ચાકુના ઘા મારીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ૧૯ ગુના આચરેલા હતા અને પાંચ વખત પાસાની સજા ભોગવી ચૂકેલો છે.
૧૯ ગુના આચરી પાંચ વખત પાસાની સજા ભોગવી ચૂકેલા રીઢા ગુનેગારે પોલીસને ચાકુના ઘા મારીને મારી નાખવાની ધમકી પણ આપી
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તરીકે સંજયકુમારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ચંદનસિંહ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સામે ૧૯ ગુના નોંધાયેલા હતા અને તેની સામે પાંચ વખત પાસા પણ થયેલી છે જેથી તેનું નામ અસામાજિક તત્વોની યાદીમાં સામેલ કર્યું હતું. જેથી આરોપી જે મકાનમાં રહેતો હોય કે ભાડે રહેતો હોય તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે અંગે પોલીસ તેના ઘરે તપાસ કરવા ગઇ હતી. પરંતુ તે ઘરે હાજર મળી આવ્યો ન હોવાથી આસપાસમાં પૂછતા બહાર ગયો હોવાનું સામે આવ્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન ફરિયાદીને જાણ થઇ કે ચંદન એક છોકરા સાથે નશાની હાલતમાં પોલીસ સ્ટેશન આવ્યો છે. તેમજ ગળાના અને હાથના ભાગે ઇજા થયેલ છે અને પોલીસે માર મારતા ઇજા થઇ હોવાનો આક્ષેપ કરે છે. જેથી ફરિયાદી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ઇજા કેવી રીતે થઇ તેમ પૂછતા તેને ઉશ્કેરાઇને પોલીસકર્મીઓને ગાળો બોલીને ઝપાઝપી કરીને તમારી નોકરી ખાઇ જઇશ તમે રસ્તામાં મળો તમને બધાને ચાકુના ઘા મારીને મારી નાખીશ હું પાસામાંથી છુટીને આવ્યો છું હું તમને બધાને કોર્ટમાં ઉભા કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસકર્મીએ તેને પીએસઓ ઓફિસમાં બેસાડતા તેણે દિવાલ સાથે માથુ ભટાકાવીને લોહી કાઢીને હોમગાર્ડ જવાનને ધક્કો મારીને ગાળો બોલતો હતો. પોલીસે તપાસ કરતા પોલીસને ફસાવવા પોતાની જાતે બ્લેડના ઘા મારીને ઇજા પહોચાડી હતી.