આધેડના બાઇકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
નિકોલમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક આધેડે જીવ ગુમાવ્યો
અકસ્માતમાં ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત
અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમા બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્મતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. નિકોલમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઠક્કરનગરમાં રહેતા આધેડ બાઇક લઇને નિકોલમાં ગયા હતા અને પરત આવતી વખતે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
કર્મકાંડ કરતા આધેડ લગ્નનું મૂર્હૂત જોઇને પરત આવતા હતા અકસ્માતમાં ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત
ઠકકરનગરમાં રહેતા વૃદ્ધે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની બાજુમાં રહેતા તેમના નાના ભાઇ ર્ક્મકાંડનું કામ કરતા હતા.
ગઇકાલે કોઇ સંબંધીના લગ્નનું મૂર્હૂત જોવા માટે નિકોલ ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે નિકોલમાં હિરપરા હોસ્પિટલ પાસે પ્રતિષ્ઠા બંગલોઝ ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારતાં તેઓ જમીન ઉપર પટકાતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ભાગી જનારા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.