Gujarat

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

By GS TEAM
14 Dec 20252 mins read
નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

અમદાવાદ, રવિવાર

અમદાવાદમાં રફતારનો કહેર વધી રહ્યો છે, જેમાં માતેલા સાંઢની જેમ બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. નારણપુરા સરદાર પટેલ બાવલા નજીક લાડલી શો રૃમ સામે ટ્રકની ટક્કરથી એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું. મૃતક યુવક કેમ્પ મંદિરથી દર્શન કરીને ઘરે જતો હતો ત્યારે અકસ્માત થયો હતો.જ્યારે મેમનગર વાળીનાથ ચોક પાસે  દંપતિ સગાની ખબર કાઢીને જતા હતા અને ડમ્પર નીચે કચડાતાં પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

કેમ્પ હનુમાન મંદિરે દર્શન કરી આવતા યુવકનું સરદાર બાવલા પાસે અને વાળીનાથ ચોકમાં પતિની નજર સામે પત્નીનું મૃત્યુ

થલતેજમાં  રહેતા વેપારીએ ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેસ કીટના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૨૦ વર્ષનો પુત્ર અને તેમનો ભત્રીજો એક્ટિવા લઇને કેમ્પ હનુંમાન મંદિરે દર્શન કરીને ઘરે પરત આવતા હતા અને નારણપુરા સરદાર પટેલ બાવલા નજીક લાડલી શો રૃમ સામેથી ગઇકાલે રાતે ૧૦ વાગે પસાર થતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલી ગેસ કીટ ગાડીના ચાલકે ટક્કર મારતાં બન્ને યુવકો નીચે પડી ગયા હતા જેથી ફરિયાદીના પુત્રને માથામાં ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું. અકસ્માત બાદ વાહન મૂકીને ડ્રાઇવર નાસી ગયો હતો.

બીજા બનાવમાં ચાંદલોડિયામાં રહેતા અને લોખંડના સ્ક્રેપના વેપારીએ ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ તેમની પત્નીને એક્ટિવા ઉપર બેસાડી સગાની ખબર કાઢીને પરત આવતા હતા જ્યાં મેમનગર વાળીનાથ ચોક, બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. આ સમયે એ.ઇ.સી.બ્રિજ તરફથી પૂરઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કક મારતાં પતિ-પત્ની બન્ને નીચે પડયા હતા અને ડમ્પરનું ટાયર પત્નીના માથા ઉપર ફરી વળતા સ્થળ ઉપર મોત થયું હતું. આરોપી ડમ્પર મૂકીને ભાગી ગયો  હતો.