પાર્ક કરેલી ટ્રક નીચે સૂઇ જઇને યુવકે આત્મહત્યા કરી
ટ્રક ચાલુ થવાની રાહ જાતો હતો, ચાલુ થતાની સાથે સૂઇ જતાં ટાયર ફરી વળ્યા
અમદાવાદ,બુધવાર
ઓઢવથી નિકોલ જવાના માર્ગ ઉપર આજે સવારે એક અજાણ્યો યુવક પાર્ક કરેલી ટ્રક નીચે સૂઇ ગયો હતો, ટ્રક ચાલું થતાની સાથે ત્રણ સેકન્ડમાં પ્રાણ પંખુરું ઉડી ગયું હતું અગમ્ય કારણોસર આપઘાતની આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અક્સ્માતે મોત નોંધીને મૃતકની ઓળખ પરખ અને સગા સબંધીઓની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઓઢવથી નિકોલ જતાં કેદારનાથ પાર્કિંગમાં ત્રણ સેકન્ડમાં જ યુવકનો અગમ્ય કારણોસર આપઘાત સીસીટીવીમાં કેદ ઃ ઓઢવ પોલીસે મૃતકની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી
ઓઢવમાં નોકરી કરતા પોલીસ કર્મચારી મનોજભાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર હતા આ સમયે ટ્રાફિક પોલીસ સ્ટેશન તરફથી મેસેજ આવ્યો હતો કે ઓઢવ વિસ્તારમાં પામ હોટલ કટથી નિકોલ તરફ જતા સર્વિસ રોડ ઉપર કેદારનાથ પાર્કિગમાં અજાણ્યા શખ્સે ટ્રક નીચે પોતાની જાતે પડીને આપઘાત કર્યો હતો.
પોલીસ તપાસમાં અજાણ્યો ૩૫ વર્ષનો યુવક આજે સવારે પાર્ક કરેલી ટ્રક પાસે આવીને ઉભો હતો અને ટ્રક ચાલુ થવાની રાહ જોતો હતો ડ્રાઇવરે જેવી ટ્રક ચાલુ કરી તે સાથે જ યુવક ટ્રક નીચે સૂઇ ગયો હતો તેના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી વળતા ત્રણ સેકન્ડમાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આપઘાતની ઘટના સીસીટીવી કેમેરોમાં કેદ થઇ હતી. આ ઘટના અંગે ઓઢવ પોલીસે અક્સ્માતે મોત નોંધીને મૃતક યુવકની ઓળખ પરખ કરવાની અને સગા સબંધીઓની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.