મેઘાણીનગરમાં ખૂની ખેલ ઃ ધારિયાના ઘા ઝીંકી યુવકને જાહેરમાં રહેસી નાંખ્યો

અમદાવાદ,શનિવાર
સલામત ગુજરાતમાં હવે બિહાર વાળી થવા માંડી છે, કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે. અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના રહ્યો હોય તેમ બેફામ બનીને જાહેરમાં હત્યા કરી રહ્યા છે. ખોખરામાં વિદ્યાર્થીની હત્યાના બનાવની સ્યાહી સૂકાઇ નથી ત્યાં કાગડાપીઠથી રિક્ષામાં યુવકનું અપહરણ કરીને જે સ્થળે મારા મારી થઇ હતી તે મેઘાણીનગરમાં લઇ ગયા હતા અને ફિલ્મી ઢબે જાહેરમાં આડેધડ પાપઇ અને ધારિયાના ઘા ઝીંકીને ક્રૂરતા પૂર્વક યુવકની હત્યા કરી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસે હરકતમાં આવી હતી કાગડાપીઠ પોલીસે ૧૦ લોકો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠથી રિક્ષામાં અપહરણ કરી જ્યાં મારા મારી થઇ તે સ્થળે લઇ જઇ યુવકને પાઇપ, ધારિયાના ઘા માર્યા ઃ ત્રણની ધરપકડ કરાઇ
શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔડાના ચાર માળિયા મકાનમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગમાં ચમનપુરા ખાતે રહેતા સતીષ સહિત દસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે બે દિવસ પહેલા મારા મારી થઇ હતી જે ગુનામાં ફરિયાદીના ભાઇ નીતીન (ઉ.વ.૨૩)નું નામ હતું. જેનો બદલો લેવાના આશયથી આરોપીઓ યુવક જ્યાં નોકરી કરતો હતો તે કાગડાપીઠ વિસ્તારમાંથી રિક્ષામાં અપહરણ કર્યું હતું.
એટલું જ નહી મેઘાણીનગરમાં પટણીનગર, ચમનપુરા ખાતે જ્યાં મારા મારી થઇ હતી જે સ્થળે લઇ જઇને જાહેરમાં ફિલ્મી ઢબે આડેધડ પાઇપ,લાકડી અને ધારિયાના ઘા મારીને ક્રૂરતા પૂર્વક યુવકની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસ પીઆઇ,એસ.એ.ગોહીલના જણાવ્યા મુજબ અપહરણ અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને વાયરલ વિડિયો આધારે આ ગુનામાં સંડોવાયેલ, વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા અન શૈલેષ રામસિંગા ગૌતમ તેમજ પૂનમ વીરચંદભાઈ પટણી સહિત ત્રણ લોકોને ગુનામાં ઉપયોગ લીધેલ અલગ અલગ બે રીક્ષાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય સાત આરોપીને પકડવા માટે પાંચ ટીમો બનાવની તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.









