પક્ષ દાવેદારોની સંખ્યા-ચહેરા જાણીને પછી ટિકીટના ધોરણો નક્કી કરશે! : 2021-25 ટર્મમાં પદ મેળવનારા મોટાભાગનાએ પણ ટિકીટની માંગણી કરી : આજે 6 વોર્ડ માટે સેન્સ લેવાશે
રાજકોટ, : આજે મહાપાલિકા સહિત ચૂંટણીઓ અપેક્ષા મૂજબ જાહેર થઈ છે ત્યારે ભાજપમાં સત્તા પ્રાપ્તિના પ્રથમ ચરણ એવી ટિકીટ મેળવવા માટે રાજકોટ કમલમ્ ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો. 12 વોર્ડની 48 બેઠકો માટે આશરે 700 જેટલા ઉમેદવારોએ ટિકીટ માટે ધસી ગયા હતા જેમના નામ સહિતની વિગતો નિરીક્ષકો દ્વારા નોંધવામાં આવી છે.
ભાજપ દ્વારા ગત ચૂંટણીમાં કોને ટિકીટ મળશે તેના ધોરણો નક્કી કરીને સેન્સ પહેલા જ ચારણી ફેરવાઈ હતી. પરંતુ, આ વખતે આવું કોઈ એસ.ઓ.પી.જાહેર નહીં થતા વૃધ્ધો, ત્રણ વખત ચૂંટણી લડીને, પદ અને સત્તા ભોગવી ચૂકેલા, નવા કાર્યકરો સહિત તમામે ટિકીટની માંગણી કરી હતી. સંભવતઃ ભાજપ આ વખતે પ્રથમ કોણ કોણ ટિકીટ માંગે છે તેની સંખ્યા, ચહેરા જોઈને બાદમાં ધારાધોરણ નક્કી કરે તેવી શક્યતા છે.
આજે વોર્ડ નં. 1થી 8, 13 થી15 અને 17 એમ કૂલ 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પ્રતિ વોર્ડ દીઠ 55થી 60 દાવેદારો છે. આવતીકાલે વોર્ડ નં. 9થી 12 અને 16 તથા 18 માટે સેન્સ લેવામાં આવશે. પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ મેળવવા કે આધાર કાર્ડ કઢાવવા જેમ લાઈનો દેખાય છે તેવો ધસારો કમલમ્ ખાતે જોવા મળ્યો હતો. સપ્તાહમાં આ નામો પ્રદેશ કમિટિમાં મોકલાશે અને ઉમેદવારી પત્રક નોંધાવવાના એક-બે દિવસ અગાઉ નામ જાહેર કરાશે.


