હવે દરેક પરીક્ષાના 21 દિવસ પહેલા ટાઈમ-ટેબલ જાહેર કરવાનું રહેશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તમામ ફેકલ્ટીઓને એક પરિપત્ર પાઠવ્યો છે.જે પ્રમાણે હવે દરેક પરીક્ષાનું ટાઈમ ટેબલ પરીક્ષા શરુ થવાના ૨૧ દિવસ પહેલા પ્રસિધ્ધ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ફેકલ્ટીઓએ કરવાની રહેશે.
પરીક્ષા વિભાગે ફેકલ્ટીઓને સૂચના આપી છે કે, પરીક્ષા વિભાગ ટાઈમ ટેબલ પ્રસિધ્ધ કરે તે પછી દરેક ફેકલ્ટીએ પોતાના નોટિસ બોર્ડ પર પણ આ ટાઈમ ટેબલ મૂકવાનું રહેશે.જોકે આ ટાઈમ ટેબલ પ્રસિધ્ધ કરતા પહેલા દરેક ફેકલ્ટીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, વિદ્યાર્થીઓની વિષય પસંદગીની પ્રક્રિયા, ઈન્ટરનલ પરીક્ષાનું એસેસેમેન્ટ તેમજ તેના માર્ક મૂકવાની અને માર્ક પરીક્ષા વિભાગની સિસ્ટમમાં દાખલ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય.
પરીક્ષા વિભાગનું માનવું છે કે, આ ગાઈડ લાઈનનો અમલ કરવાના કારણે પરીક્ષાનું પરિણામ સમયસર જાહેર કરવામાં મદદ મળશે.કારણકે ઘણી વખત ઈન્ટરનલ પરીક્ષાના માર્ક સિસ્ટમમાં દાખલ કરવામાં વિલંબ થવાથી પણ એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય છે.
અધ્યાપકોને પણ પેપર સેટ કરવા પૂરતો સમય મળશે
જો ૨૧ દિવસ પહેલા ટાઈમ ટેબલ જાહેર કરવાની ગાઈડ લાઈનનો અમલ થશે તો પેપર સેટ કરનારા અધ્યાપકોને પણ રાહત થશે.કારણકે અત્યારે અધ્યાપકોને પરીક્ષાના એક સપ્તાહ પહેલા કે તેનાથી પણ ઓછા સમયમાં પેપર સેટ કરવા માટે કહેવામાં આવે છે.
સવારની પરીક્ષાનો સમય ૮ થી ૧૧નો રાખવાનો આગ્રહ
પરીક્ષાનો સવારે લેવી હોય તો ૮ થી ૧૧નો સમય રાખવા માટે( કોમર્સ ફેકલ્ટી માટે વિશેષ કરીને), બપોરના સમયે પરીક્ષા લેવી હોય તો સમય ૧૧ થી ૨નો રાખવા માટે અને સાંજે પરીક્ષા લેવી હોય તો ૩ થી ૬નો સમય રાખવા માટે પણ ફેકલ્ટીઓને આગ્રહ કરવામાં આવ્યો છે.









