દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન
બે દિવસ સુધી નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ન ઓસરતા ભારે હાલાકી
ઉંડેરા તળાવ ઓવરફ્લો થતા માર્ગ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા
વરસાદના વિરામ બાદ પણ 48 કલાક સુધી બાજવા અને ઊંડેરા ગામના નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો.
શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં બે દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેમાં ઉંડેરા અને બાજવા ગામ ખાતે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા હતા. ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં માર્ગ ઉપર પાણી ફરી વળવા સાથે અંદાજે 30 જેટલા મકાનોમાં વરસાદી પાણી પ્રવેશતા લોકો પરેશાન થયા હતા. સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, ચોમાસાની ઋતુમાં પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદભવે છે. અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ આવી રહ્યો નથી. વરસાદ વિરામના 48 કલાક બાદ પણ પાણી ઓસરી રહ્યા નથી. જે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. આવી જ પરિસ્થિતિ છેલ્લા બે દિવસથી બાજવા ગામની છે. લોકોના મકાનોમાં બે દિવસથી વરસાદી પાણીનો ભરાવો રહેતા મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક આગેવાનું કહેવું હતું કે, બે દિવસ બાદ આજે સાંજે પાણી ઓસર્યા છે. રણોલી ,આજોડ, સોખડા સહિતના ગામોમાંથી વરસાદી પાણી બાજવા ગામમાં પ્રવેશે છે, અગાઉના ધારાસભ્યએ પાણીનો નિકાલ કરવા એક્શન પ્લાનની દરખાસ્ત સરકારમાં મોકલી હતી, બાજવા ગામમાં શંકર સોસાયટી ,આંબેડકર નગર, ગોકુલનગર અને પાર્વતીનગરમાં વરસાદ વરસતા લોકોના મકાનોમાં બે ફૂટ પાણી ભરાઈ જતા નુકસાની થાય છે.પ્રતિ વર્ષ આ સમસ્યા રહે છે, આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ છે.