મેરીટ લિસ્ટમાં નામ હોવા છતાં સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળતા હોબાળો
- રાજકોટમાં યુનિ. ઉપર આવેલી હોસ્ટેલના સંકુલમાં ધરણાં - વિરોધ પ્રદર્શન
- ગ્રેજ્યુએશનની માર્કશીટના આધારે બીએડ-3ના 150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ખાત્રી અપાતા મામલો થાળે પડયો
રાજકોટ, : અહીંના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી સમરસ હોસ્ટેલમાં મેરીટ લીસ્ટમાં નામ હોવા છતાં 150 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા આજે વિદ્યાર્થી કાર્યકરોની આગેવાની હેઠળ રોષપૂર્ણ ધરણાં - વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો રોષ જોઇને યુનિ. રોડ ઉપર આવેલી સમરસ હોસ્ટેલમાં સમાજ કલ્યાણ અધિકારીઓએ દોડી આવી ગ્રેજ્યુએશનની માર્કશીટના આધારે બીએડ સેમે-3ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેતા મામલો થાળે પડયો હતો.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી બંધ યુનિ. રોડ ઉપર આવેલી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવ્યા પછી અનુસ્નાતક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અગાઉની સેમે-૧ની માર્કશીટના આધારે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ જે માન્ય રાખવામાં નહીં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ મામલે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોને જાણ કરવામાં આવતા બીએડમાં હોસ્ટેલમાં પ્રવેશથી વંચિત અંદાજે ૧૫૦ વિદ્યાર્થીઓ ધરણાં ઉપર બેસી ગયા હતા. યુનિ. રોડ ઉપર આવેલી સમરસ હોસ્ટેલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવતા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્વરીત પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાની માર્કશીટના આધારે એડમિશન આપવાનું નક્કી થતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન સ્થળ ઉપર ઉકેલાયો હતો. સમાજ કલ્યાણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં પ્રવેશની નવી ગાઇડલાઇનની જાણકારીના અભાવે આ પ્રકારનો ટેકનીકલ પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ ગ્રેજ્યુએશનની માર્કશીટના આધારે એડમિશન આપવાના નિર્ણય લેવામાં આવતા ઓનલાઇન ફોર્મ અપલોડ થયા હતા. જેના કારણે પ્રવેશથી વંચિત તમામ વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાં પ્રવેશ આપવાનું કામ આગળ વધ્યું હતું