Get The App

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે !

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! 1 - image


ગીરના બફર ઝોનમાં પુનઃ તપાસ કરાતાં ચોંકાવનારી વિગતો ખૂલી

55થી વધુ એકમોમાં વર્ષો પહેલાં તંત્રએ સીલ માર્યાં હતાં, તે જ જગ્યાનો ઊચ્ચ અધિકારીઓની મીઠી નજર હેઠળ ઉપયોગ થાય છે 

જૂનાગઢ: હાઈકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર ગેરકાયદેસર એકમોના ચેકિંગનો ધમધમાટ શરૂ થયો છે. વનતંત્ર અને રેવન્યુ વિભાગ દ્વારા હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસ કાયદેસર છે કે કેમ, જે શરતો સાથે મંજૂરી આપી હતી તેટલું જ બાંધકામ છે કે તેનાથી વધુ, તે મુદ્દે ખરાઈ કરવામાં આવી રહી છે પરંતુ વિશેષ નોંધનીય અને ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પપથી વધુ ગેરકાયદેસર બાંધકામોને સીલ મારવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના સીલ તોડી નાખવામાં આવ્યા છે અને ગેરકાયદેસર બાંધકામનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.

ગીરના બફર ઝોનમાં અનેક ગેરકાયદેસર હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસ ધમધમતા થઈ ગયા હતા. વન વિભાગ અને રેવન્યુ વિભાગની મીઠી નજર હેઠળ ધમધમતા ગેરકાયદેસર એકમો મુદ્દે હાઈકોર્ટે સરકારનો ઉધડો લેતા થોડા સમય પહેલા ગીરની બોર્ડર પર પપથી વધુ એકમો તથા અમુક બાંધકામોને સીલ મારી દેવામાં આવ્યા હતા. કેટલાય એકમોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. હવે તે પૈકીના કેટલાય એકમોનાં સીલ ગેરકાયદે તોડી નાખવામાં આવ્યા છે અને અનેક એકમોમાં ગેરકાયદે વીજ જોડાણ શરૂ થઈ ગયા છે. આ અંગે તંત્ર દ્વારા ક્યારેય તેના પર કાર્યવાહી કરવામાં આવી નથી. સિંહો માટે અનેક નિયમો બનાવતી સરકાર તેના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો મુદ્દે આંખ આડા કાન કરે છે. હવે હાઈકોર્ટે ફરીવાર ગીરની બોર્ડર પરના ૧૦ કિલોમીટરના એરિયામાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં તપાસ કરી રિપોર્ટ કરવા રેવન્યુ અને વન વિભાગને આદેશ કર્યો છે. આ આદેશ બાદ અમરેલી, ગીર-સોમનાથ,જૂનાગઢ જિલ્લામાં ગીરની બોર્ડર પરના વિસ્તારમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ તપાસમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તથા મંજૂરીથી વધારાના બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો હોવાનું બે દિવસની તપાસમાં સામે આવી રહ્યું છે. હાઈકોર્ટના આદેશનું માત્ર થોડા દિવસ પુરતું જ પાલન થતું હોય તેવી સ્થિતિ છે. સરકાર અને સ્થાનિક ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર હેઠળ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે અંતે નુકસાન સિંહોને ભોગવવું પડી રહ્યું છે. અગાઉ કરેલી તપાસ બાદ કાર્યવાહીના લીરેલીરા ઉડી રહ્યા છે તેનું શું ? તેવા સવાલો ઉઠયા છે.

સીલીંગની મહત્તમ કાર્યવાહી બોરવાવમાં થઈ હતી 

અગાઉ ગેરકાયદેસર એકમોને સીલ માર્યા હતા તેમાં સૌથી વધુ બોરવાવમાં ૧૮, ચિત્રોડમાં ૧ર, ભોજદેમાં ૮, સાંગોદ્રામાં ૬, અન્ય ૧૧ ગામમાં આ કાર્યવાહી થઈ હતી. હવે જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરમાં સેંકડો ગેરકાયદેસર બાંધકામો સામે આવે તેમ છે.

Tags :