Gujarat

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે

By GS TEAM
26 Dec 20252 mins read
લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC  કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે

અમદાવાદ,ગુરુવાર,25 ડિસેમ્બર,2025

અમદાવાદના કોટવિસ્તાર ઉપરાંત શહેરના મોટાભાગના ઝોનના વોર્ડ વિસ્તારમાં કોર્પોરેશન તરફથી અપાતા પાણીમાં પોલ્યુશન આવતુ હોવાની ફરિયાદો વ્યાપક બની છે.લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે પરંતુ કોર્પોરેશન અને સરકારી કાર્યક્રમમા મહાનુભવો,મહેમાનો અને કોર્પોરેશનના અધિકારીઓને હાઈજેનિક પાણી આપવા એક કરોડનો ખર્ચ કરાશે.૨૦ લિટર ફૂડ ગ્રેડ જગ,રીયુઝેબલ પ્લાસ્ટિક ગ્લાસ સાથે એક વર્ષ માટે કોન્ટ્રાકટ અપાશે.

કોર્પોરેશન તરફથી રોજ લોકોને પાણી પુરુ પાડવા બે કરોડનો ખર્ચ કરાય છે. આમ છતાં શહેરના અનેક વિસ્તારમાં પાણીમા પોલ્યુશન આવવા અંગેની કે પાણી પુરતા પ્રેસરથી નહીં મળતુ હોવાની ફરિયાદો જે તે વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશનમાં કરાતી હોય છે.પાણીમા પોલ્યુશન આવવા અંગેની સીસીઆરએસ દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જે તે ઝોન કક્ષાએ લાખો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યા પછી પણ સ્થિતિમાં સુધારો નહીં થવાથી આવા વિસ્તારોમાં કોર્પોરેશનને ટેન્કર મોકલી પીવાનુ પાણી પુરુ પાડવાની તંત્રને ફરજ પડે છે.આ સ્થિતિથી કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધીશો સુપેરે વાકેફ છે. આમ છતાં કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી વિવિધ કાર્યક્રમોમાં હાઈજેનિક પાણી પુરુ પાડવા બીડરો પાસેથી ઓફર મંગાવાઈ છે.બીડરે ૧૦૦ જગ માટે ભાવ ફૂડ વિભાગને આપવો પડશે. વર્તમાન બજાર કિંમત મુજબ, ૨૦ લિટર ક્ષમતાના એક હાઈજેનિક પાણીના જગની કિંમત હાલમાં ૭૦ રુપિયા છે.લોકોના ટેકસના નાણાંનો વેડફાટ કેમ કરવો એ તંત્ર અને શાસકોની આવડત છે.

કાર્યક્રમો માટે એએમસી જલનો આગ્રહ રાખવો જોઈેએ

કોર્પોરેશન દ્વારા કોતરપુર પાસે આપવામા આવેલી જગ્યામા કાર્યરત પ્લાન્ટમાં એએમસી જલની બોટલો તૈયાર કરાય છે. આ બોટલ કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ અને ચેરમેનનોની કચેરીમા ઉપયોગમા લેવાય છે. આમ છતાં કાર્યક્રમો માટે હાઈજેનિક પાણીના નામે અલગથી એક કરોડનો ખર્ચ કરાશે.જે રોકીને કાર્યક્રમોમા પણ એએમસી જલનો  ઉપયોગ કરવા ઉપર ભાર મુકાવો જોઈએ.