Get The App

નવલખી અને મકરપુરાના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ 35 ગ્રાઉન્ડ પર CCTV મુકવાની જાહેરાતનો 6 વર્ષથી અમલ નહિ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
નવલખી અને મકરપુરાના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ 35 ગ્રાઉન્ડ પર CCTV મુકવાની જાહેરાતનો 6 વર્ષથી અમલ નહિ 1 - image

વડોદરાઃ જ્યારે પણ મોટી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની જાહેરાતો કરવામાં આવતી હોય છે.પરંતુ તેમાંની અનેક જાહેરાતોનો કોઇ અમલ દેખાતો નથી.આવી જ બાબત વડોદરાના ખુલ્લા મેદાનો પર થતી ગુનાઇત પ્રવૃત્તિઓમાં પણ દેખાઇ આવી છે.

વડોદરાના નવલખી અને મકરપુરા ગ્રાઉન્ડમાં ગેંગરેપની બે ઘટનાએ ખૂબ ચકચાર મચાવી હતી.જેમાં નવલખી ગ્રાઉન્ડ પર વર્ષ-૨૦૧૯માં ૧૪ વર્ષીય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બે યુવકોએ મિત્રને ભગાડી દીધો હતો અને સગીરાને ઝાડીમાં ખેંચી જઇને ગેંગરેપ કર્યો હતો.જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બંનેને સજા પણ થઇ છે.

આવી જ રીતે મકરપુરા વિસ્તારમાં પણ ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પસાર થતી મહિલા પર ગેંગરેપનો બનાવ બન્યો હતો.જ્યારે,ચાર દિવસ પહેલાં નવલખી કમ્પાઉન્ડમાં પોલીસે એક યુવક- યુવતીનું સ્કૂટર સળગાવી દીધું હોવાની પણ ઘટના બની હતી.જેમાં પોલીસ જવાનની ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

નવલખી અને મકરપુરાની ગેંગરેપની ઘટના બાદ તત્કાલિન પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૫  જેટલા ગ્રાઉન્ડ પર પેટ્રોલિંગ રાખવા અને સીસીટીવી કેમેરા ગોઠવવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ છ વર્ષ પછી પણ આ જાહેરાતનો અમલ થયો નથી.

નવલખી ગ્રાઉન્ડ  પર બનાવેલી પોલીસ ચોકી બંધ,ઝાડી-ઝાંખરા ઉગ્યા

   નવલખી ગ્રાઉન્ડ પર અગાઉ મર્ડર,ચોરી, લૂંટ અને ગંગરેપ જેવા બનાવો બન્યા હતા. જેથી પોલીસ દ્વારા અહીં એક પોલીસ ચોકી બનાવવામાં આવી હતી.પરંતુ થોડા સમય પછી આ ચોકી બંધ થઇ ગઇ હતી.જેને કારણે તેની આસપાસ ઝાડી-ઝાંખરા ફેલાઇ ગયા હતા.રાવપુરાના પોલીસ જવાન દ્વારા યુવક- યુવતીનું સ્કૂટર સળગાવી દીધું હોવાની ઘટના બાદ ફરી એક વાર નવલખી મેદાન ચર્ચામાં આવતાં બંધ પોલીસ ચોકીની સાફસફાઇ કરવામાં આવી હતી.